- દેશમાં હિન્દુ મુસલમાન થી શું પેટ ભરાઈ જશે?: ખડગે
- સંબોધનમાં કોંગ્રેસ અધ્યક્ષ ખડગેએ ફરી કર્યો વાણીવિલાસ
- અઝાન શરૂ થતા ખડગેએ અટકાવ્યું હતું પોતાનું ભાષણ
લોકસભા ચૂંટણીના ત્રીજા તબક્કાના મતદાનને આડે હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે આજે કોંગ્રેસ આધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ અમદાવાદના દાણીલીમડામાં જાહેર સભાને સંબોધન કર્યું હતું. સંબોધનમાં ખડગેએ વાણીવિલાસ સાથે ભાજપ પર પ્રહાર કર્યા હતા.
કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ સંબોધનમાં કહ્યું હતું કે દેશમાં શું હિન્દુ મુસલમાન કરવાથી પેટ ભરાઈ જશે? ભાજપ વાળા કહે છે કે જેમની પાસે વધારે બાળકો છે એમને કોંગ્રેસ રૂપિયા વેચી દેશે. તો આ નિવેદન સાથે બફાટ કરતાં ખડગેએ આગળ કહ્યું હતું કે અરે ભાઈ તમારી પાસે બાળકો નથી એમાં અમે શું કરીએ?.
ખડગેએ આગળ કહ્યું કે, “ભાજપ વાળા કહે છે એવું કશું અમે નથી કરવાના, SC – ST માટે જે ભાજપ નથી કરી શક્યું તે અમે કર્ણાટક, તેલંગાણામાં કરી બતાવ્યું છે. જે કોંગ્રેસ કરી શકે છે એ ભાજપ શા માટે ના કરી શકે?
વધુમાં તેમણે કહ્યું કે, “RSSના વિચારોવાળા જ્યારે અન્ય લોકોને દબાવવાનો પ્રયાસ કરે ત્યારે અમે વિરોધ કરીએ છીએ. વધુમાં ખડગેએ જણાવ્યું કે લોકતંત્ર-સંવિધાન બચાવવા માટે આ ચુંટણી મહત્વની છે. કોંગ્રેસ વાળા ભષ્ટ્રાચારી છે તો શા માટે એમને ભાજપમાં જોડો છો? ઇલેકટોરલ બોન્ડ સૌથી વધુ ભાજપને મળ્યા, ભાજપનું સૂત્ર છે ચંદા નહિ તો ધંધા નહિ. અનેક કંપનીઓ નુકસાનમાં છે તેમ છતાં ફંડ આપે છે. જોકે આ બધા વચ્ચે સૌથી જોવા જેવી વાત એ જોવા મળી કે દાણીલીમડામાં અઝાન શરૂ થતા જ ખડગેએ પોતાનું ભાષણ અટકાવી દીધું હતું. બાદમાં, પોતાનું સંબોધન આગળ ચાલુ રાખ્યું હતું.
તેમણે આગળ જણાવ્યું કે સંસદમાં મોંઘવારી, ગરીબ તેમજ દેશહિતમાં અવાજ ઉઠાવે ત્યારે સંસદથી બહાર કાઢે છે. UPA સરકારમાં પેટ્રોલ 66 રૂપિયા હતા આજે ભાજપ સરકારમાં 102 રૂપિયા થઈ ગયા છે. 7 તારીખે પંજા પર બટન દબાવો અને મોદી ખતમ. દેશ માટે ક્યારેય લડ્યા નથી એ દેશભક્ત. અમારી પાર્ટીના નેતાઓ શહીદી વહોરવા વાળા છે ભાગવા વાળા નથી. આ ન્યાય માટે લડીશું, અમે ડરતા નથી અને કોઈને ડરાવતા નથી.


