- મતદાનને લઈને DGP ગુજરાતનું મોટું નિવેદન
- સીસીટીવી કેમેરા, બ્રેથ એનેલાઈઝરથી ચેકિંગ કરાશે
- 900 કરોડના NDPSના કેસો કરવામાં આવ્યા છે
આવતીકાલે 7મી મેના રોજ લોકસભા ચૂંટણીના ત્રીજા તબક્કાનું મતદાન થવા જઈ રહ્યું છે. જેને લઈને આજે ગુજરાતના DGP વિકાસ સહાય દ્વારા પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું અને પત્રકારોને આવતીકાલના મતદાનને લઈને તૈયારીઓ અંગે માહિતી આપવામાં આવી.
DGP વિકાસ સહાયે નિવેદન આપતા જણાવ્યું હતું કે રાજ્યમાં આવતીકાલે મતદાન થવા જઈ રહ્યું છે જેના માટે રાજ્યમાં આશરે 29,500 બિલ્ડિંગ અને 50 હજારથી વધુ પોલિંગ બૂથ ઊભા કરવામાં આવ્યા છે. તમામ પોલિંગ બૂથ પર ચૂંટણી પંચના નિર્દેશ મુજબ પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવશે. ભયમુક્ત વાતાવરણમાં મતદાન થાય, ન્યાયી મતદાન થાય અને જનતા મુક્ત વાતાવરણમાં મતદાન કરી શકે તેની વ્યવસ્થા કરાઇ છે. મથકો, જીલ્લા, કમિશનરેટમાં પર યોગ્ય સંખ્યામાં સેક્ટર મોબાઈલ વાન છે, ક્વિક રિસ્પોન્સ ટીમ રખાઈ છે. આચાર સંહિતા લાગુ થઈ ત્યારથી રાજ્યની સરહદ સીલ કરાઈ છે. સઘન તપાસ માટે 133 ચેકપોસ્ટ ઊભા કરવામાં આવ્યા છે. સીસીટીવી કેમેરા અને બ્રેથ એનેલાઈઝર દ્વારા ચેકિંગ કરવામાં આવશે.
DGPએ વધુમાં જણાવ્યું કે આચાર સંહિતા દરમિયાન પોલીસની જવાબદારી ધ્યાને રાખી કાર્યવાહી કરવામાં આવી છે. અત્યાર સુધી 50 કરોડથી વધુ રૂપિયાનો અંગ્રેજી દારુ ઝડપી પાડવામાં આવ્યો છે. પોલીસ ચેકિંગ દરમિયાન 900 કરોડના NDPSના કેસો કરાયા છે. તો, રાજ્યમાં અસામાજિક તત્વો સામે કાર્યવાહી પણ કરવામાં આવી છે. સાડા ત્રણ લાખ લોકો સામે પગલા ભરાયા છે.
ગુજરાતના DGP વિકાસ સહાયે વધુમાં માહિતી આપતા જણાવ્યું કે, ગેરકાયદેસર હથિયારોના 165 કેસો નોંધાયા છે. તો ભાગેડુ અપરાધીઓને પણ ઝડપી પાડવામાં આવ્યા છે 1700 જેટલા ભાગેડુ આરોપીઓને પકડી પાડવામાં આવ્યા છે. લાંબા સમયથી વોન્ટેડ છે એવા આરોપી પકડાયા છે
તો વધુમાં, અમદાવાદની શાળાઓમાં ધમકી વાળા મેઈલ પર પણ DGPએ નિવેદન આપ્યું હતું. સવારથી અમદાવાદ શહેરની જુદી જુદી સ્કૂલોમાં બોંબ થ્રેટના મેઈલ આવ્યા હતા. અગાઉ દિલ્હીમાં પણ એક મોલમાં આવો મેઈલ મળ્યો હતો. તો આવા પ્રકારની ધમકીને લઈને DGPએ આશ્વાસન આપતા જણાવ્યું હતું કે અલગ અલગ ટીમો અને નિષ્ણાતોને મદદ લેવાઈ છે. તપાસમાં અત્યાર સુધી કોઈ વસ્તુ મળી આવી નથી. આ માત્ર અને માત્ર એક અફવા હોવાનું સામે આવ્યુ છે.


