3૦૦૦થી વધુ પોલીસ કર્મચારીઓ બંદોબસ્ત માટે મૂકાયા : પ્રથમ વખત ઐતિહાસિક સુરક્ષા અપાઇ
રાજકોટમાં આવતીકાલે લોકસભા બેઠકનું મતદાન થશે. રાજકોટ બેઠકના ઉમેદવાર દ્વારા વિવાદીત ટીપ્પણી કરાતા આ બેઠક તંત્ર માટે મહત્વની બની ગઇ છે. ઠેર-ઠેર ક્ષત્રિય આંદોલન ચાલી રહ્યા છે ત્યારે રાજકોટમાં શાંતિપૂર્વક મતદાન થાય તે માટે રાજકોટના ચૂંટણી અધિકારી સજાગ થઇ ગયા છે અને રાજકોટને ઇતિહાસમાં ન અપાયો હોય તેવો રેકોર્ડ બ્રેક બંદોબસ્ત આપવામાં આવ્યો છે. એક એડીજી, એક ડીઆઇજી, ચાર એસપી કક્ષાના અધિકારી સહિતના 3૨૦૦થી વધુ પોલીસ જવાનોનો સુરક્ષા બંદોબસ્ત આપવામાં આવ્યો છે. પોલીસના ચુસ્ત બંદોબસ્તથી રાજકોટ આવતીકાલે લોખંડી કિલ્લામાં ફેરવાશે. આજથી જ તમામ બુથ પર ચૂંટણી આયોગે હવાલો સંભાળી લીધો છે.
રાજકોટમાં લોકસભાની ચૂંટણી દરમિયાન મતદાન શાંતિપૂર્વક થાય તે માટે એક એડીજી, એક ડીઆઇજી, પોલીસ કમિશનર, જોઇન્ટ પોલીસ કમિશનર, ચાર ડીસીપી, આઠ એસીપી, 26 પીઆઇ, 100 પીએસઆઇ, તેમજ 1222 પોલીસ જવાનો, 13774 હોમગાર્ડ, તેમજ સીએપીએફની ચાર ટુકડી સહિત ૨૫૦૦થી વધુ પજવાનો તૈનાત રહેશે. આ ઉપરાંત દિવસભર ક્રાઇમ બ્રાંચ, એસઓજી, લોકલ એલસીબી સહિતની ટીમો દ્વારા પેટ્રોલિંગમાં રહેશે. મતદાન પૂર્વે છેલ્લા બે દિવસમાં શહેરમાં અલગ-અલગ સંવેદનશીલ વિસ્તારોમાં પોલીસ તેમજ પેરામિલિટરી ફોર્સ દ્વારા ફ્લેગ માર્ચ યોજવામાં આવી હતી.
નોંધનીય છે કે, આ વખતે ભાજપના ઉમેદવાર પરસોતમ રૂપાલા સામે ક્ષત્રિય સમાજની નારાજગીને જોતા સંવેદનશીલ બુથ વધુ જાહેર કરવામા આવ્યા છે. જો કે ક્ષત્રિય આંદોલન અત્યાર સુધી અહિંસક રીતે જ ચાલ્યુ છે એ જોતા આવતીકાલે મતદાનના દિવસે કોઇ છમકલુ થવાની સંભાવના અત્યંત નહીંવત છે. આમછતાં અત્યાર સુધીની તમામ ચૂંટણી કરતા આ વખતે પોલીસ બંદોબસ્ત વધુ ફાળવવામા આવ્યો છે.
આટલો બંદોબસ્ત
- ૧ એડીજી
- ૧ ડીઆઇજી
- ૪ ડીસીપી
- 8 એસીપી
- 26 પીઆઇ
- 100 પીએસઆઇ
- 1222 કોન્સ્ટેબલ સહિતના પોલીસ જવાનો
- 13774 હોમગાર્ડ
- સીએપીએફની ચાર ટુકડી
શહેરમાં કુલ ૧૦3૨ બૂથ સંવેદનશીલ
ચૂંટણી જાહેર થયાના પ્રારંભિક દિવસોમાં ૮૨૨ બૂથ સંવેદનશીલ જાહેર કરવામા આવ્યા હતા. પરંતુ એ પછી ક્ષત્રિય સમાજનું આંદોલન વેગવંતુ બન્યુ હતુ અને એમાપણ આ રૂપાલા સામેના રોષનું એપી સેન્ટર રાજકોટ હોવાથી ક્ષત્રિય સમાજનું પ્રભુત્વ વધુ છે તેવા વિસ્તારોમાંથી વધુ ૨૧૦ બૂથ સંવેદનશીલ તરીકે પાછળથી ઉમેરો કરીને રાજકોટમાં ૧૦3૨ બૂથ સંવેદનશીલ જાહેર કરાયા છે.
અત્યાર સુધીમાં ૧૧૧૦૮ શખ્સોની અટકાયત
લોકસભાની ચૂંટણી સંદર્ભે પોલીસ કમિશનર રાજુ ભાર્ગવના આદેશથી 11108 શખ્સની અટકાયત કરવામાં આવી હતી તેમજ ગેરકાયદેસર હથિયાર અંગે 9 કેસ કરવામાં આવ્યો હતા જેમાં 9 હથિયાર અને 13 કારતૂસ કબજે કરવામાં આવી હતી. અને દેશી, વિદેશી દારૂના 1052 કેસ કરવામાં આવ્યા હતા તેમજ માદક પદાર્થના બે કેસ કરવામાં આવ્યા હતા જેમાં રૂ.3.15 લાખના માદક પદાર્થ કબજે કરવામાં આવ્યા હતા. તેમજ ચૂંટણી સંદર્ભે શહેરમાંથી 2691 લાઇસન્સવાળા હથિયાર જમા લેવાયા હતા.


