- ઇઝરાયેલી સેનાએ દક્ષિણી ગાઝા શહેર રાફાને ખાલી કરી દેવાની સૂચના આપી હતી
- રાફામાં શરણ લઈ રહેલા 10 લાખ કરતાં વધારે પેલેસ્ટિનિયનો પર જીવનું જોખમ
- ઇઝરાયેલે સાત મહિનાના યુદ્ધ બાદ રાફાને હમાસનો અંતિમ મહત્ત્વનો ગઢ ગણાવ્યો
ઇઝરાયેલની સેનાએ સોમવારે રાફા પર હવાઈ હુમલા કરી દીધા હતા. રાફાના લોકો દ્વારા આ બાબતની પુષ્ટિ થઈ છે પણ ઇઝરાયેલ તરફથી કશી ટિપ્પણી કરવામાં નથી આવી. ઇઝરાયેલી સેનાના હવાઈ હુમલાના પરિણામે બંધકોની મુક્તિ સુનિશ્ચિત કરવા માટે થઈ રહેલી સીઝફાયરની વાતચીત ખોરવાઈ ગઈ છે. હુમલા પહેલાં ઇઝરાયેલી સેનાએ હજારો પેલેસ્ટિનિયન લોકોને સૂચના આપી હતી કે તેઓ દક્ષિણી ગાઝા શહેર રાફાને ખાલી કરી દે. આ સૂચનાના કારણે એવા સંકેત મળ્યા હતા કે અહીં ટૂંક સમયમાં ઇઝરાયેલી સેના હુમલો કરી શકે છે.
ઇઝરાયેલ અને હમાસ વચ્ચેના વિવાદનો મુખ્ય મુદ્દો યુદ્ધવિરામના સમયગાળાને લગતો છે. હમાસની માગણી છે કે ઇઝરાયેલ યુદ્ધ અટકાવી દે, જ્યારે ઇઝરાયેલ જ્યાં સુધી હમાસ હાર ન માની લે ત્યાં સુધી યુદ્ધ ચાલુ રાખવા પર ભાર મૂકી રહ્યું છે. ઇઝરાયેલે સાત મહિનાના યુદ્ધ બાદ રાફાને હમાસનો અંતિમ મહત્ત્વનો ગઢ ગણાવ્યો છે.
એક લાખ લોકોને સ્થળાંતર કરવાનો આદેશ
ઇઝરાયેલી સેનાના પ્રવક્તા લેફ્ટ. કર્નલ નવાદ શોશાનીએ કહ્યું કે લગભગ એક લાખ લોકોને ઇઝરાયેલ તરફથી નજીકના મુવાસીમાં જવાનો આદેશ આપવામાં આવી રહ્યો છે. તેમણે કહ્યું કે ઇઝરાયેલ સીમિત વિસ્તારના અભિયાનની તૈયારી કરી રહ્યું હતું અને તે એમ નહીં કહે કે આ હુમલો શહેર પર વ્યાપક આક્રમણની શરૂઆત હતી.
10 લાખ પેલેસ્ટિનિયનો પર અસરનું જોખમ
ઇઝરાયેલે બહાર નીકળવાના વિસ્તારનો એક નકશો પ્રકાશિત કર્યો છે. તે અંગે આકાશમાંથી પત્રિકાઓ ફેંકીને, ટેક્સ્ટ મેસેજ દ્વારા અને રેડિયોથી માહિતી આપવામાં આવી રહી છે. ઇઝરાયેલી સેનાએ એક્સ પર કહ્યું કે તે આતંકવાદીઓ સામે વધારે તાકાત સાથે કાર્યવાહી કરશે. રાફા પર આક્રમણ કરવાની ઇઝરાયેલની યોજનાથી દુનિયાની ચિંતા વધી છે. કેમ કે, ત્યાં શરણમાં રહેલા 10 લાખ કરતાં વધારે પેલેસ્ટિનિયન નાગરિકોને નુકસાન થઈ શકે છે.


