ચૂંટણી તંત્ર દોડતુ થયું : અસામાજીક તત્વો સામે કાર્યવાહીના આદેશ
રાજકોટમાં આજે મતદાન શરૂ થયા બાદ વિવાદીત વીડિયો વાયરલ થયા હતા. જેમાં ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારોને મત આપતા હોય તેવા વીડિયો વાયરલ થતાં ચૂંટણી તંત્રમાં દોડધામ મચી ગઇ હતી. આ બાબતની ફરિયાદ ઉમેદવારો અને મતદાતાઓ દ્વારા ચૂંટણીપંચને કરવામાં આવતા તેની તપાસ હાથ ધરવા માટેની તજવીજ કરવામાં આવી છે.
આદર્શ આચારસંહિતાની કડક અમલવારી માટે ચુસ્તબંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. છતાં પણ કેટલાક અસામાજીક તત્વો દ્વારા ચૂંટણી દરમિયાન છમકલું થાય તેવી પ્રવૃતિ કરવામાં આવી હતી. જેમાં આજે રાજકોટ લોકસભા બેઠક પરની ચૂંટણીમાં ભાજપ અને કોંગ્રેસમાં મત આપવામાં આવતા હોય તેવો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. આ વીડિયો વાયરલ થતાંની સાથે જ રાજકીયપક્ષો અને ચૂંટણી તંત્ર તાત્કાલીક દોડતું થયું હતું અને વીડિયો વાયરલ કરનાર સામે કડક કાર્યવાહી કરવા માટેના નિર્દેશો જારી કર્યા હતા.


