- ધાક ધમકી, એજન્ટોને બેસવા ન દેવાની કરી ફરિયાદ
- આદર્શ આચારસંહિતા ભંગની પણ ફરિયાદ નોંધાવી
- પોલીસકર્મી દ્વારા ભાજપ તરફી મતદાનની અપીલની ફરિયાદ
આજે ગુજરાતની 25 લોકસભા બેઠકો માટે ત્રીજા તબક્કાનું મતદાન પૂર્ણ થઈ ગયું છે. ચૂંટણી પંચના જણાવ્યા પ્રમાણે મતદાનને લઈને લઈને જુદા જુદા પ્રકારની હજારો ફરિયાદો મળી છે ત્યારે આજે સાંજે કોંગ્રેસ દ્વારા ચૂંટણી પંચમાં વધુ એક ફરિયાદ કરવામાં આવી છે.
અમદાવાદમાં કોંગ્રેસના લીગલ સેલ તરફથી ચુંટણી પંચને રાજ્યભરની વિવિધ ફરિયાદો કરવામાં આવી છે. કોંગ્રેસે ચૂંટણી પંચમાં ધાક ધમકી, એજન્ટોને બેસવા ન દેવા, મતદારોને મતદાન ન કરવા દેવા બાબતની અનેક ફરિયાદો કરવામાં આવી છે. તો સાથે સાથે, અમદાવાદના વેજલપુર વિસ્તારમાં કાળું ગરદન નામના આરોપીએ મતદારોને મતદાન કરતા રોક્યા હોવાની પણ ફરિયાદ કરવામાં આવી છે.
તો વધુમાં મળતી માહિતી મુજબ, કોંગ્રેસ દ્વારા ચૂંટણી પંચમાં આદર્શ આચારસંહિતા ભંગની પણ અલગ અલગ ફરિયાદો કરવામાં આવી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા યોજવામાં આવેલા રોડ શો તેમજ ગૃહમંત્રી અમિત શાહના મતદાનનએ લઈને પણ ફરિયાદ કરવામાં આવી છે. કોંગ્રેસ દ્વારા કરવામાં આવેલ ફરિયાદને લઈને કોંગ્રેસના પ્રવક્તા મનીષ દોશી દ્વારા કહેવામાં આવ્યું છે કે પીએમ મોદીનો રોડ શો અને ગૃહમંત્રી અમિત શાહના મતદાનનું જીવંત પ્રસારણ આદર્શ આચારસંહિતાનો ભંગ સમાન છે. તો વધુમાં, શાહપુરમાં પોલીસ કર્મી દ્વારા ભાજપ તરફી મતદાન કરવા અપીલ કરતા હોવાની પણ ફરિયાદ કરવામાં આવી છે.


