- તંત્રની બેધારી નીતિથી રોષે ભરાયેલા સ્થાનિકોને અધિકારીઓએ સમજાવવા છતાં મતદાન ન કર્યું
- 25 ઘરના ગામને પંચાયતનું હેડક્વાર્ટર અને 100 ઘરના ગામને ઠીંગો આપતાં ગામલોકો લાલઘૂમ
- રાજ્ય સરકાર તેમજ અધિકારીઓએ ગામ લોકોની અરજ ધ્યાને ન લેતા ચૂંટણી બહિષ્કારનો નિર્ણય લેવામાં આવ્યો હતો
વડગામ તાલુકાના ભાંખરીમાં લોકસભાની ચૂંટણીનો બહિષ્કાર કરાતા રાજકીય નેતાઓ સહિત અધિકારીઓે દોડતા થયા હતા.જોકે ભાંખરી ગામના મતદારોએ અન્યાય સામે લોકશાહી ઢબે વિરોધ કરી મતદાન ન કરવાનો નિર્ણય કરતા છેક ગાંધીનગર સુધી પડઘા પડયા હોવાનું જાણવા મળે છે.
પ્રાપ્ત વિગતો મુજબ તાજેતરમાં ગ્રૂપ ગ્રામ પંચાયતોના વિભાજનને લઈ સ્થાનિક કક્ષાએથી ગંદુ રાજકારણ રમતા ભલગામ ગ્રૂપ ગ્રામ પંચાયતમાં સામેલ ભાંખરી તેમજ હમીરપુરા ગામને અલગ કરી હમીરપુરાને ગ્રૂપ ગ્રામ પંચાયત બનાવી તેમાં ભાંખરી ગામનો સમાવેશ કરાતા તેનો છેલ્લા બે વર્ષથી ભાંખરી ગામના લોકો વિરોધ કરી રહ્યા છે.ત્યારે ગામ આગેવાનોએ જણાવ્યું હતું કે ભાંખરી ગામમાં એકસો પચીસ જેટલા પરિવારો રહે છે અને આઠસોની જનસંખ્યા ધરાવે છે જેમાં ચારસો એસી મતદાતાઓ છે જ્યારે હમીરપુરામાં માત્ર ત્રીસ પરિવાર રહે છે અને અંદાજીત સવા સોની વસ્તી ધરાવે છે જેમાં માત્ર એસી જેટલા મતદાતાઓ છે. આમ છતાં ભાંખરી ગામ વસ્તીની દ્રષ્ટિએ મોટું હોવા છતાં સ્થાનિક તંત્ર તેમજ રાજકીય દબાણના કારણે પંચાયતનું હેડક્વાર્ટર ભાંખરીના બદલે હમીરપુરાને આપતા ઘણા સમયથી વિવાદ ચાલતો હોઇ અનેક રજૂઆતો કરવા છતાં રાજ્ય સરકાર તેમજ અધિકારીઓએ ગામ લોકોની અરજ ધ્યાને ન લેતા ચૂંટણી બહિષ્કારનો નિર્ણય લેવામાં આવ્યો હતો. જેની જાણ અધિકારીઓને થતા ભાંખરી ગામે દોડી આવ્યા હતા.અને મતદારો તેમજ ગ્રામ જનોને આશ્વાસન આપી સમજાવવાનો પ્રયત્ન કરી મતદાન કરવા અપીલ કરી હતી. છતાં ગ્રામજનો અડગ રહી સમગ્ર ગ્રામજનોએ મતદાનનો બહિષ્કાર કર્યો હતો.
માગણી નહીં સંતોષાય તો આંદોલનને ઉગ્ર બનાવાશે
ગ્રામ પંચાયતના હેડક્વાર્ટરના વિવાદ વચ્ચે ભાંખરી ગામના લોકોએ જણાવ્યું હતું કે પંચાયતનું હેડક્વાર્ટર ભાંખરી ગામને જો ન ફળવાય તો અમને ભલગામ ગ્રૂપ ગ્રામ પંચાયતમાં ફરી સામેલ કરો નહિ તો ઉગ્ર રજુઆત કરવા સાથે જ્યાં સુધી ન્યાય નહિ મળે ત્યાં સુધી ચૂંટણી બહિષ્કાર કરવામાં આવશે.


