રાજયમાં છમકલા વગર શાંતિપૂર્ણ મતદાન થતાં તંત્રએ પણ નિરાંત અનુભવી
કેન્દ્રીય મંત્રીઓ સહિતના ૨૬૬ મુરતીયાઓના ભાવીનું ફેંસલો તા.૪ જૂને
રાજકોટ સહિત ગુજરાતની ૨૫ બેઠક પર ગઇકાલે લોકસભા ચૂંટણીનું મતદાન યોજાઇ ગયું છે. હવામાન વિભાગ દ્વારા આકરા તાપની આગાહી આપવામાં આવી હતી. ગુજરાતમાં ગઇકાલે ૪૦ ડિગ્રીથી વધુ તાપમાન થતાં આકરો તાપ સહન નહી કરી શકતા મતદારો પણ ઘરમાંથી બહાર નીકળવાનું ટાળ્યું હતું. જેને કારણે રાજયની ૨૫ બેઠકો પર માત્ર ૫૯.૫ ટકા જેટલું મતદાન થયું હતું. જો કે આ વચ્ચે તંત્રને એ પણ હાશકારો થયો હતો કે સમગ્ર રાજયમાં એક પણ છમકલાં વગર ચૂંટણી શાંતિપૂર્વક પૂર્ણ થઇ હતી. ત્રણ કેન્દ્રીય મંત્રી સહિત ૨૬૬ મુરતીયાઓના ભાવી ઇવીએમમાં સીલ થયા છે અને તા.૪ જૂને તેનો ફેંસલો જનતા સમક્ષ આવશે.
સુરત બેઠક અગાઉથી જ બીનહરીફ થતાં ભાજપે તેની ઉપર વિજય મેળવ્યો છે. જયારે અન્ય ૨૫ બેઠક પર મતદાન કરવામાં આવ્યું હતું. હવામાન વિભાગની આગાહી મુજબ તાપમાન ૪૦ ડિગ્રીથી વધુ રહ્યું હતું. રાજયમાં સવારે ૯ થી બપોરના ૧૨ સુધી મતદાનની ટકાવારીમાં સતત વધારો થયો હતો. જયારે બપોરના સમયે સૂર્યનારાયણે આકરો મીજાજ દાખવતા મતદાતાઓએ ઘરની બહાર નીકળવાનું ટાળતાં નીરસ જેવું મતદાન થઇ જતાં રાજયમાં ૬૦ ટકા પણ મતદાન નોંધાયુ ન હતું. જેના કારણે રાજકીય પક્ષો પણ પોતાની જીત નક્કી છે તેવો ખોંખારો ખાઇને કહી શકે તેમ નથી.
ગુજરાતમાં શાંતિપૂર્ણ રીતે મતદાન યોજાય તે માટે તંત્ર દ્વારા ચુસ્તબંદોબસ્ત રાખવામાં આવ્યો હતો. ક્ષત્રિય સમાજના આંદોલનને ધ્યાનમાં રાખીને કોઇપણ જાતની અનિચ્છનીય ઘટના ન બને તે માટે તંત્ર અગાઉથી જ સાવધાન થઇ ગયું હતું પરંતુ ક્ષત્રિયોઓએ પણ લોકશાહીને પ્રાથમિકતા આપી શાંતિપૂર્ણ રીતે પોતાની ફરજ નિભાવતા રાજયમાં શાંતિભર્યા વાતાવરણમાં મતદાન થતાં તંત્ર અને લોકોએ પણ રાહતનો શ્વાસ લીધો હતો.
રાજયના નિર્વાચીન મુખ્ય અધિકારી પી.ભારતીએ જણાવ્યું હતું કે રાજયમાં ૫૯ ટકા જેટલું મતદાન થયું છે. કેટલીક જગયાએ ઇવીએમઓ બગડયા હોવાની ફરિયાદો મળી હતી. તેમજ ૧૮ જેટલી કાયદો વ્યવસ્થાને ભંગ કરતી ફરિયાદો થઇ છે. બુથ બહાર પ્રચાર થતો હોય તેવી રાજકીય પાર્ટીઓ દ્વારા પણ ફરિયાદો કરવામાં આવી હતી. રોડ શો કરવામાં આવ્યા હોવાની ફરિયાદ મળી હતી તેની ત્વરીત તપાસ કરતા આવુ કંઇ પણ ન બન્યું હોવાનો રિપોર્ટ મળતાં આ ફરિયાદને તુરંત જ કાઢી નાંખવામાં આવી હતી. રાજયમાં અત્યાર સુધીમાં ૨૫ હજારથી વધુ ફરિયાદો વિવિધ પ્રકારની મળી છે. તેનું તાત્કાલીક ધોરણે નિરાકરણ કરવામાં આવ્યું છે.
વધુમાં તેઓએ જણાવ્યું હતું કે રાજયની ૨૫ બેઠકો પર ૧૮૨૦ મતદાન મથકોમાં બીયુએસનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. તેમજ ઘણી જગ્યાએ ઇવીએમ કંટ્રોલ યુનિટ કે વીવીપેટ બદલાવવામાં આવ્યા તાં. આયોગના જણાવ્યા મુજબ મતદાનના દિવસે કુલ ૯૨ ફરિયાદો મળી હતી જેનો પણ તાત્કાલીક ધોરણે નિકાલ કરવામાં આવ્યો હતો.
રાજયમાં કેટલાક ગામડાઓમાં મતદાનનો બહિષ્કાર કરવામાં આવ્યો હતો. જેમાં બનાસકાંઠાના ભાખરી ગામે ગામલોકોએ સંપૂર્ણ મતનો બહિષ્કાર કર્યો હતો. ભરૂચના જેસર, સુરતના સણધારામાં એક પણ મત પડયો હતો નહી. જયારે માંગરોળના ભાટ ગામ, બાલાસિનોરના બોડેલી અને પૂંજારા ગામે આંશિક રીતે મતદાતાઓ મતદાન કરવાથી દૂર રહ્યા હતાં.


