- વેક્સિનનું અપડેટ આવૃત્તિ ઉપલબ્ધ હોવાથી જૂનો સ્ટોક પાછો મંગાવાઈ રહ્યો છે : એસ્ટ્રાજેનેકા
- ભારતમાં આ રસી ઉત્પાદન કરવાનું લાયસન્સ સીરમ ઈન્સ્ટિટયૂટ પાસે છે
- કંપનીએ જાહેરાત કરી છે કે વિશ્વભરમાંથી તે પોતાની વેક્સજેવરિયા વેક્સિન પાછી મંગાવી
વિશ્વભરમાં કોરોના વાઇરસ સંક્રમણ વખતે લોકોને વેક્સિન ઉપલબ્ધ કરાવવાવાળી કંપની એસ્ટ્રાજેનેકાઅ વિશ્વભરમાંથી કોરોના વેક્સિનનો સ્ટોક પરત મંગાવ્યો છે. કંપનીએ જાહેરાત કરી છે કે વિશ્વભરમાંથી તે પોતાની વેક્સજેવરિયા વેક્સિન પાછી મંગાવી છે. ઉલ્લેખનીય છે કે ભારતમાં કોરોનાથી બચાવ માટે એસ્ટ્રાજેનેકાનું લાઇસન્સ ધરાવતી કોવિશીલ્ડ વેક્સિન જ આપવામાં આવી હતી. ભારતમાં તૈયાર થયેલી કોવિશીલ્ડ વેક્સિન પણ વેક્સજેવરિયા વેક્સિનની ફોર્મ્યુલા આધારે જ બની છે. ભારતમાં કોવિશીલ્ડ વેક્સિનનું ઉત્પાદન સીરમ ઇન્સ્ટિટયૂટ ઓફ ઇન્ડિયા દ્વારા થયું હતું. ભારતમાં હજી કોરોના વેક્સિન પાછી ખેંચવાને મુદ્દે નિર્ણય લેવામાં નથી આવ્યો. ધ ટેલિગ્રાફના અહેવાલ મુજબ એસ્ટ્રાજેનેકાએ દાવો કર્યો છે કે વેક્સિનની અપડેટ આવૃત્તિ ઉપલબ્ધ છે તેવામાં વેક્સિનના જૂના સ્ટોકને પરત મંગાવવામાં આવ્યો છે. કંપનીએ પાંચ માર્ચના રોજ જ વેક્સિન વેક્સજેરવરિયાને પરત મંગાવવા નિર્ણય લઈ લીધો હતો પરંતુ આદેશ 7મીથી પ્રભાવી થયો છે. બ્રિટિશ- સ્વીડિશ ફાર્માસ્યૂટિકલ કંપની એસ્ટ્રાજેનેકાએ આ પગલું એવા વખતે લીધું છે કે જ્યારે કંપનીએ થોડા દિવસ પહેલાં એ વાતનો સ્વીકાર કર્યો છે કે કોવિડ વેક્સિનની કેટલીક આડઅસર સામે આવી છે. વેક્સિનને કારણે કેટલાક લોકોને થ્રંબોસિસ થ્રંબોસાઇ – ટોપીનિયા સિન્ડ્રોમ જેવી બીમારીના લક્ષણો સામે આવ્યા છે. આ બીમારીમાં લોકોના લોહીમાં ગઠ્ઠા જામવા લાગે છે.ઉલ્લેખનીય છે કે ભારતમાં કુલ 2.2 અબજ ડોઝ અપાયા છે, જેમાં કોવિશીલ્ડ, કોવેક્સિન, સ્પુતનિક, મોર્ડર્ના, ઝાયકોવ ડી વગેરેનો સમાવેશ થાય છે. કોવિડના બંને ડોઝ માટે આ ઉત્પાદકોની રસીનો ઉપયોગ કરાયો હતો


