જા નકી, વૈદેહી નામે ઓળખાતાં સીતા માતા ભારતીય સંસ્કૃતિમાં નારીના ઉજ્જવળ ચરિત્રનું એક પ્રેરક પ્રતીક છે. સીતાજી વિના ભારતના પાયાનો મહાન ગ્રંથ `રામાયણ’ પણ અધૂરો રહી જાય. તેમણે પોતાના જીવનના દરેક પાત્રને એક આદર્શ સાથે જીવીને એક સંસ્કારી પુત્રી, સુખ-દુ:ખમાં સહભાગી થનાર પત્ની અને બાળકોમાં સંસ્કારનું સિંચન કરતી આદર્શ માતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે.
મિથિલા નગરીના રાજા જનક એક દિવસ તેમના ખેતરમાં હળ ચલાવી રહ્યા હતા ત્યારે તેમના હળ સાથે એક માટીનો ઘડો ટકરાયો. રાજાએ ઘડો કાઢીને જોયું તો તેમાં તેજસ્વી, શક્તિસ્વરૂપા બાળકી હતી. આ ઘટના વૈશાખ સુદ નોમને દિવસે બની હતી, તેથી આ દિવસને જ સીતા જયંતી તરીકે મનાવવામાં આવે છે. સીતાજીનો જન્મ ધરતીમાંથી થયો હતો, તેથી તે ધરતી માતાનાં પુત્રી કહેવાયાં. સીતાનો અર્થ થાય છે હળ દ્વારા જન્મેલી, તેથી તેમનું નામ સીતા પાડવામાં આવ્યું.
સીતાજીની ઉત્પત્તિની કથા
કહેવાય છે કે, સીતાજી ઋષિઓના રક્તમાંથી ઉત્પન્ન થયાં હતાં. ત્રેતાયુગમાં રાક્ષસો ઋષિમુનિઓને બહુ પજવતા હતા. તેમના યજ્ઞમાં હાડકાં, માંસ નાખતા ત્યારે ઋષિઓએ તેમની તપસાધનાના બળે શક્તિસ્વરૂપ દેવી શક્તિનું સર્જન કરવાનું નક્કી કર્યું. ઋષિમુનિઓએ પોતાનું થોડું રક્ત કાઢીને એક માટીના ઘડામાં એકઠું કર્યું અને આ ઘડાને જમીનની અંદર દાટી દીધો. તેમાંથી એક બાળકીનું સર્જન થયું. આ રીતે સીતા માતાનો જન્મ ધરતીના ગર્ભમાંથી અને ઋષિમુનિઓના રક્તમાંથી થયો હોવાથી તે ઋષિસંતાન છે.
સીતાજી રાવણના સંહાર માટે નિમિત્ત બન્યાં હતાં. તે જ્યારે નાનાં હતાં ત્યારથી જ તેમની ઓજસ્વિતાનાં દર્શન થઈ ગયાં હતાં. મિથિલાના રાજા જનક પાસે પરશુરામનું આપેલું એક ધનુષ્ય હતું. સીતાજી તેનો ઘોડો બનાવીને સહજતાથી રમતાં હતાં. ત્યારે જ જનક રાજાએ નક્કી કરી લીધું હતું કે સીતાજીનાં લગ્ન આ શિવ ધનુષ્યને ઊંચકનાર સાથે કરશે. સીતાજી એક આદર્શ અને સંસ્કારી પુત્રી હોવાનું પ્રમાણ તે જ્યારે સ્વયંવર પહેલાં ભવાની માતાની આશિષ મેળવવા મંદિરે જાય છે ત્યારે તેમને મંદિરની વાટિકામાં શ્રીરામનાં દર્શન થાય છે અને પહેલી નજરે શ્રીરામને જોઈને તે મોહિત થઈ જાય છે. આ સમગ્ર ઘટના સીતાજી એક નિખાલસ પુત્રી બનીને તેમની માતાને જણાવી દે છે. લગ્ન કર્યાં બાદ તે મહેલનાં સુખ, વૈભવ છોડીને શ્રીરામ સાથે વનમાં ચાલી નીકળે છે અને સુખ-દુ:ખના સાચા જીવનસાથી હોવાનું પ્રમાણ આપે છે. અગ્નિપરીક્ષા આપીને પતિવ્રતા અને પવિત્ર હોવાનું પ્રમાણ આપે છે. રાજમહેલથી દૂર આશ્રમમાં લવ-કુશ જેવા તેજસ્વી, શૌર્યવાન ને સંસ્કારી વીર બાળકોને જન્મ આપી આદર્શ માતા બને છે. ભાવવાહી, કરુણાસભર, ચારિત્ર્યશીલ સીતાજીનું પાત્ર ભારતીય સંસ્કૃતિની ગરિમાને વધારનારું છે.


