- વિરમગામ પાસે આવેલા ગામના ભદ્રેશ પટેલ સામે પત્નીની હત્યાનો આરોપ
- તપાસ સંસ્થા એફબીઆઈ છેલ્લા નવ વર્ષથી તપાસ કરી રહી છે
- કંટાળીને એફબીઆઈએ આરોપી ભદ્રેશના માથે બે કરોડ આઠ લાખનું ઈનામ રાખ્યું
વિશ્વની સૌથી શક્તિશાળી તપાસ સંસ્થા એટલે કે એફબીઆઈ જેનાથી ખૂંખાર આતંવાદીઓ પણ થરથર કાંપે છે. ગત નવ વર્ષથી એક ભારતીયને શોધી રહી છે. પરંતુ હજુ સુધી તેની કોઈ જાણકારી નથી મેળવી શકી. ઉલ્લેખનીય છે કે, નવ વર્ષ પહેલાં એક ગુજરાતી શખ્સે અમેરિકામાં પોતાની જ પત્નીની હત્યા કરીને પલાયન થઈ ગયો હતો. જે બાદ એફબીઆઈ હજી સુધી તેને શોધવામાં લાગી છે. એફબીઆએ ગુજરાતી શખ્સ પર એક લાખ નહિ પરંતુ બે કરોડ આઠ લાખનું ઈનામ રાખ્યું છે.
મળતી માહિતી અનુસાર, અમદાવાદ જિલ્લાના વિરમગામ તાલુકાના કતરોડી ગામમાં જન્મેલા ભદ્રેશ પટેલ પોતાની પત્ની પલકની સાથે અમેરિકાના મેરિલેન્ડના હનોવરમાં રહેતા હતા. બંને એક ખાનગી સ્ટોરમાં કામ કરતા હતા. ગત 12 એપ્રિલ-2015ના રોજ બંનેની નાઈટ શિફ્ટ હતી. આ દરમ્યાન બંને વચ્ચે કોઈ મુદ્દે વિવાદ થયો અને આ વિવાદે મોટું સ્વરૂપ ધારણ કરી લેતા ઉશ્કેરાયેલા ભદ્રેશે પોતાની પત્ની પર ધારદાર હથિયારથી હુમલો કર્યો હતો.
આરોપી ભદ્રેશની પત્ની ભારત આવવા માગતી હતી
એફબીઆઈએ આ કેસની સઘન તપાસ શરૂ કરી તો જાણવા મળ્યું કે આરોપી ભદ્રેશની પત્ની ભારત આવવા માગતી હતી. પરંતુ ભદ્રેશ એવું નહોતો ઈચ્છતો. આ તપાસ બાદ એવી આશંકા સેવાઈ રહી છે કે આ વાત પર બંને વચ્ચે ઝઘડો થયો છે. ભદ્રેશ છેલ્લે નેવાર્ક શહેરમાં જોવા મળ્યો હતો. અમેરિકન પોલીસે તપાસના સીસીટીવી તપાસ્યા તો જાણવા મળ્યું કે પલકની હત્યા ભદ્રેશે જ કરી હતી.
પોલીસે વોરન્ટ જાહેર કરી ઈનામ રાખ્યું
અમેરિકાની મેરિલેન્ડ રાજ્યના જિલ્લા કોર્ટે ભદ્રેશ પટેલ સામે ધરપકડ વોરન્ટ જાહેર કર્યું હતુ.ં અને કોર્ટે ભદ્રેશ સામે ફર્સ્ટ ડિગ્રી મર્ડર, સેકન્ડ ડિગ્રી મર્ડર જેવી કલમો લગાવી કેસ નોંધ્યો હતો. એફબીઆઈએ અત્યાર સુધી ભદ્રેશને શોધવા માટે ઘણા દેશોની તપાસ કરી છે. ત્યારબાદ પણ તેની કોઈ જાણકારી નથી મળી શકી.
આરોપી ભદ્રેશના માથે બે કરોડ આઠ લાખનું ઈનામ રાખ્યું
એફબીઆઈએ આરોપી ભદ્રેશના માથે એક લાખ ડોલરનું ઈનામ રાખ્યું હતું. લાંબા સમયથી તપાસ કર્યા બાદ પણ તેની ભાળ ન મળતા એફબીઆઈએ આ રકમ વધારીને અઢી લાખ ડોલર કરી દીધી છે. આ ઈનામની રકમને જો આપણે ભારતીય રકમમાં ફેરવીએ તો આશરે બે કરોડ આઠ લાખ રૂપિયાની બરાબર થાય છે. ભદ્રેશની ધરપકડ માટે એફબીઆઈએ એક નંબર પણ જાહેર કર્યો છે જે પોતાની વેબસાઈઠ પર આની જાણકારી આપવાનું કહેવામાં આવ્યું છે


