- અફઘાનિસ્તાનમાં મૂશળધાર વરસાદને લીધે પૂરનો પ્રકોપ
- છેલ્લા એક અઠવાડિયાથી અફઘાનિસ્તામાં ભારે વરસાદ ખાબકી રહ્યો છે
- અફઘાનિસ્તાનના બાઘલાન પ્રાંતમાં પૂરથી એક હજારથી વધુ ઘર જમીનદોસ્ત
પાડોશી દેશ અફઘાનિસ્તાનમાં ભારે વરસાદ બાદ આવેલા વિનાશકારી પૂરથી અત્યાર સુધી કુલ 330 લોકોનાં મોત થઈ ચુક્યા છે. જ્યારે ઉત્તરી બાઘલાન પ્રાંતમાં પૂરને લીધે એક હજારથી વધુ ઘર જમીનદોસ્ત થયા છે. યુનોએ શનિવારે જણાવ્યું કે ગત કેટલાક અઠવાડિયાઓમાં અફઘાનિસ્તાનમાં મૂશળધાર વરસાદ વરસ્યો જેથી સૌથી વધુ પૂર આવવાને કારણે અફઘાનિસ્તાનના ઉત્તરી વિસ્તારમાં ભારે વિનાશ વેર્યો છે.
શનિવારે સૌથી વધુ અસરગ્રસ્ત બાઘલાન પ્રાંતમાં 60 લોકોનાં મોત થયા હતા. મળતી માહિતી અનુસાર પાડોશી તાખર પ્રાંતમાં 20થી વધુ લોકોનાં મોત થયાનું સામે આવ્યું હતું. તાલિબાન સરકારના પ્રવક્તાએ સોશિયલ મીડિયા પર આપેલી જાણકારીમાં કહ્યું કે વિનાશકાર પૂરથી સેંકડોનાં મોત થયા છે જ્યારે મોટી સંખ્યામાં લોકો ઈજાગ્રસ્ત થયા છે.
અફઘાનિસ્તાનનું તંત્ર બચાવ કાર્યમાં જોતરાયું
બદખ્શા, બાઘલાન, ઘોર અને હેરાત પૂરથી સૌથી વધુ અસરગ્રસ્ત હોવાનો ઉલ્લેખ કર્યો હતો. સરકારે લોકોને બચાવવા માટે ઈજાગ્રસ્તોને લઈ જવા અને મૃતદેહો શોધવા તમામ સંશાધનોનો પ્રયોગ કરવાનો આદેશ આપ્યો હતો. આ સિવાય સંરક્ષણ મંત્રાલયે જણાવ્યું દેશની વાયુસેનાએ બાધલાનમાં લોકોને સલામત સ્થળો પર પહોંચાડવાનું કામ શરૂ કરી દીધું છે. પૂરમાં મોટી સંખ્યામાં લોકો ફસાઈ ગયા હતા ત્યાથી તેમને બચાવી લીધા છે અને ઈજાગ્રસ્તોને સૈન્ય હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.


