વિજયભાઈ મેમોરિયલ અને પુજીત રૂપાણી ટ્રસ્ટ દ્વારા વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો
સ્વ.વિજયભાઈ રૂપાણીની સ્મૃતિમાં વૃક્ષો વાવી શ્રદ્ધાંજલી અર્પણ કરાઈ
અગ્ર ગુજરાત, રાજકોટ
સ્વ. વિજયભાઈ રૂપાણીની પ્રથમ પુણ્યતિથી નિમિત્તે રાજકોટ ખાતે વિવિધ સેવાકીય કાર્યક્રમોનું આયોજન કરવામાં આવેલ. જે અંતર્ગત વૃક્ષારોપણ કાર્યક્રમ યોજી તેમને અનોખી શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી. વિજયભાઈ રૂપાણી મેમોરિયલ તથા પુજીત રૂપાણી મેમોરીયલ, વિજયભાઈના પરિવારજનો, મિત્રવર્તુળ, ડર્ટીડઝન ગ્રુપ તથા સમાજના વિવિધ આગેવાનોએ 71 વૃક્ષોનું વાવેતર કર્યું હતું.
કાર્યક્રમમાં મેયર ડૉ. નેહલ શુક્લ, ટ્રસ્ટના હોદ્દેદારો, સામાજિક કાર્યકરો અને મોટી સંખ્યામાં નાગરિકો જોડાયા હતા. ઉપસ્થિત મહાનુભાવોએ વૃક્ષારોપણ કરીને પર્યાવરણ સંરક્ષણનો સંદેશ આપ્યો હતો અને સ્વ. વિજયભાઈ રૂપાણીના લોકહિતકારી કાર્યોને યાદ કર્યા હતા.
આ પ્રસંગે મેયર ડૉ. નેહલભાઈ શુક્લે જણાવ્યું હતું કે, સ્વ. વિજયભાઈ રૂપાણી આજે પણ રાજકોટના લોકોના હૃદયમાં જીવંત છે. જાહેર જીવનમાં તેમણે કરેલા વિકાસકાર્યો અને લોકસેવાની ભાવના આજે પણ અનેક લોકોને પ્રેરણા આપે છે. વૃક્ષારોપણ જેવી પ્રવૃત્તિઓ દ્વારા તેમની સ્મૃતિને જીવંત રાખવાનો આ પ્રયાસ પ્રશંસનીય છે.
કાર્યક્રમ દરમિયાન ડર્ટી ડઝન ગ્રુપના પ્રતિનિધિ નીતિનભાઈ ભારદ્વાજે જણાવ્યું હતું કે, સ્વ. વિજયભાઈ રૂપાણીને પ્રકૃતિ અને પર્યાવરણ પ્રત્યે વિશેષ લગાવ હતો. તેમની પ્રથમ પુણ્યતિથી પર 71 વૃક્ષોનું વાવેતર કરવાનો સંકલ્પ લેવામાં આવ્યો હતો, જે માત્ર શ્રદ્ધાંજલિ જ નહીં પરંતુ પર્યાવરણ જાગૃતિનો પણ મહત્વપૂર્ણ સંદેશ છે.
કાર્યક્રમ દરમિયાન ઉપસ્થિત તમામ મહાનુભાવોએ વૃક્ષોના સંરક્ષણ અને પર્યાવરણ જાળવણી માટે સામૂહિક જવાબદારી નિભાવવાનો સંકલ્પ વ્યક્ત કર્યો હતો. આયોજકો દ્વારા જણાવાયું હતું કે ભવિષ્યમાં પણ આવા લોકઉપયોગી અને પર્યાવરણલક્ષી કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે.
આ વૃક્ષારોપણ કાર્યક્રમમાં અંજલીબેન વિજયભાઈ રૂપાણી, રાધિકાબેન રૂપાણી મિશ્રા, ઋષભભાઈ રૂપાણી, અદીતીબેન રૂપાણી, નીતિનભાઈ ભારદ્વાજ, મેયર નેહલભાઈ શુક્લ, હરીશભાઈ શાહ, આદિત્યભાઈ શાહ, પૂર્વ સાંસદ વલ્લભભાઈ કથીરિયા, પૂર્વ ધારાસભ્ય લાખાભાઈ સાગઠીયા, પૂર્વ મેયર બીનાબેન આચાર્ય, રક્ષાબેન બોળીયા, નયનાબેન પેઢડીયા, જ્યોતીન્દ્રભાઈ મહેતા, મુકેશભાઈ મહેતા, શૈલેષભાઈ લોટીયા, નિલેશભાઈ શાહ, વંદનાબેન ભારદ્વાજ, કાંતાબેન કથીરિયા, જ્યોતિબેન મહેતા, ગેલાભાઈ રબારી, સોમાભાઈ ભાલિયા, મિલનભાઈ મીઠાણી, નરેન્દ્રસિંહ ઠાકુર, રસિકભાઈ પટેલ, એન.જી.પરમાર, હર્ષદભાઈ વઘેરા, હરેશભાઈ ચાંચીયા, જૈમિનભાઈ માવાણી, ભાવેનભાઈ ભટ્ટ, સાગરભાઈ પાટીલ વગેરે મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.


