માનતા રાખી અને શ્રધ્ધા પૂર્વક તે પૂરી કરી હોવા છતાં પોતાના કામ ન થતાં પૂર્વ સરપંચે કૃત્ય કર્યુ હોવાનું ખુલ્યું
રાજકોટ જિલ્લાના કુવાડવા નજીક આવેલા જીયાણા ગામમાં રાત્રે ત્રણ મંદિરમાં આગ ચંપાઇ હોવાનો બનાવ બન્યો હતો. માતાજીની માનતા રાખી તે શ્રધ્ધાપૂર્વક પૂરી કરવા છતાં પણ પોતાના કામ નહી થતાં હોવાનો ખાર રાખી માતાજી સામે બદલો લીધો હોય તેવો બનાવ જીયાણા ગામે બન્યો હતો. ત્રણ મંદિર સળગાવનાર પૂર્વ સરપંચની પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી છે.
પ્રાપ્ત માહિતી મુજબ જીયાણા ગામમાં બંગલાવાળી મેલડી માતાનું મંદિર છે. જયાં ગઈકાલે રાત્રે 9 વાગ્યાથી મોડી રાત્રે 1 વાગ્યા સુધી તાવા પ્રસાદનો કાર્યક્રમ હતો. જેમાં મોટી સંખ્યામાં ગ્રામજનો એકત્રિત થયા હતા. આ કાર્યક્રમ પૂરો થયા બાદ મંદિરની અંદર લાકડા સળગાવી આગ લગાડવામાં આવી હતી. જેને કારણે માતાજીની છબી નષ્ટ થઈ હતી.
એટલું જ નહીં ગામનાં પાદરમાં આવેલા રામાપીરના મંદિરની અંદર પણ ટાયર મુકી આગ લગાડવામાં આવતાં મુર્તિ નષ્ટ પામી હતી. આટલેથી નહીં અટકતા ગામમાં જ આવેલા વાસંગી દાદાના મંદિરની બહાર જૂના કપડાં સળગાવવામાં આવ્યા હતા. મંદિરને તાળુ મારેલું હોવાથી મંદિરની બહાર કપડાં સળગાવાતાં મંદિરની અંદર કોઈ નુકસાની થઈ ન હતી.
ગામમાં જ તાલુકા પંચાયતના સદસ્ય કાનજીભાઈ સવજીભાઈ મેઘાણી (ઉ.વ. 63)ને આજે સવારે જાણ થતાં ત્રણેય મંદિર ખાતે દોડી ગયા બાદ એરપોર્ટ પોલીસને જાણ કરતાં તેનો સ્ટાફ સ્થળ પર દોડી ગયો હતો. તપાસના અંતે પોલીસે કાનજીભાઈની ફરિયાદના આધારે પૂર્વ સરપંચ સામે ગુનો દાખલ કર્યો હતો.
પોલીસે ફરિયાદ નોંધાયા બાદ સીસીટીવી ફૂટેજના આધારે તપાસ હાથ ધરી હતી. જેમાં રાત્રે ૧ વાગ્યા બાદ સીસીટીવીમા કેદ થયેલા લોકોની પુછપરછ કરી હતી. તેમાં પૂર્વ સરપંચ અરવિંદ સરવૈયાને પણ પૂછપરછ કરવા માટે બોલાવતા તેઓએ ગુનો સ્વીકારતા જણાવ્યું હતું કે ખૂબ સેવા પૂજા કરતો હતો. પણ તેનું કોઇ જાતનું કામ થતું હતું નહી અને પોતાની પરિસ્થિતિમાં પણ સુધારો નહી થતો હોવાથી ભગવાન માતાજી સામે નારાજ થઇ આ કૃત્ય કર્યુ હતું.


