- ખેતીવાડી અધિકારી, તલાટી અને તાલુકા પંચાયતની ટીમ દ્વારા પંચનામું કરાયું
- માર્કેટયાર્ડમાં સોમવારે અજમાની હરાજી કરવાનો દિવસ હોઈ ખેડુતો પોતાનો અજમો લઈને પહોંચ્યા
- મોટાભાગના અજમાની બોરી, ઢગલાઓની હરાજી થઈ જવા પામી હતી
સોમવારે અમદાવાદ જિલ્લાના માંડલ ખાતે સોમવારે 5.30 કલાક બાદ ભારે પવન બાદ વરસાદ એકાએક શરૂ થઈ જતાં માર્કેટયાર્ડના કમ્પાઉન્ડમાં પડેલી અજમાની બોરી, અજમાના ઢગલાંઓમાં મોટું નુકશાન સર્જાયુ હતું. માંડલ માર્કેટયાર્ડમાં સોમવારે અજમાની હરાજી કરવાનો દિવસ હોઈ ખેડુતો પોતાનો અજમો લઈને પહોંચ્યા હતાં અને એપીએમસીના પાછળના ભાગે કેમ્પસમાં અજમાની બોરીઓ ગોઠવી હતી. જેમાં મોટાભાગના અજમાની બોરી, ઢગલાઓની હરાજી થઈ જવા પામી હતી અને કેટલીક હરાજી કરવાની બાકી રહેલી એવામાં વરસાદ ખાબકતાં અજમાના કેટલાંક ઢગલાંઓ પાણીના વહેણમાં તણાઈ ગયાં, કેટલીક બોરી પાણીથી બગડી હતી તેમજ ખુલ્લી બોરી, ખુલ્લો અજમાનો માલ પણ બગડયો આથી ડીરેક્ટર સહિતના લોકોએ ઉચ્ચકક્ષાએ મોડી સાંજે આ બાબતે રજુઆત કરી દીધી હતી અને આજ તા.14 ના રોજ સવારે ઉચ્ચ કક્ષાએથી સુચના બાદ માંડલ તાલુકા પંચાયતના મદદનીશ ટીડીઓ વિષ્ણુભાઈ સુમેસરા, ખેતીવાડી વિસ્તરણ અધિકારી એસ.ડી.મકવાણા અને તલાટી અરવિંદ મકવાણા સહિતના અધિકારીઓએ સ્થળ તપાસ કરી પંચનામુ કરેલ હતું તેમજ ગ્રામસેવક દ્વારા થયેલ નુકશાની અંગે સ્થળ ચકાસણી પણ કરાઈ હતી અને ઉપરોક્ત અધિકારીઓએ પ્રાથમિક માહિતી એકઠી કરી હતી. અત્રે પ્રાથમિક રીપોર્ટમાં જાણવા મળેલ કે, સોમવારે અજમાની હરાજીને લઈ ખેડુતો મોટા પ્રમાણમાં માલ લઈને આવેલ અને સાંજે એકાએક વરસાદ થતાં અજમાની મોટા પ્રમાણમાં બોરીઓને સુરક્ષિત જગ્યાએ ખસેડવાનો સમય મળેલ ના હોઈ અને વરસાદી પાણીનો પણ તાત્કાલિક નિકાલ પણ ના થયો હોવાને લઈ મોટું નુકશાન થયું હોવાનું આ રીપોર્ટમાં જણાઈ આવ્યું હતું. ભારે વરસાદની આગાહી બે દિવસ પહેલા કરી દેવાઈ હતી તો પછી આ અજમાની હરાજી માટે ખેડુતોને શા માટે બોલાવવા જોઈએ, વાતાવરણ સાંજે બદલાયું તેમ છતાં માલને સુરક્ષિત કેમ ના કરાયો, આ માર્કેટયાર્ડની બેદરકારી હોવાનું સ્થાનિક ખેડુત આગેવાન દિલીપભાઈ (નવાગામ) એ જણાવ્યું હતું.


