પ્લેટફોર્મ નંબર ૪-પ ઉપર વિકલાંગો માટે લિફટની સુવિધાના નામે ઠાગા ઠૈયા
નેતાઓ ચૂંટણીમાં વ્યસ્ત અધિકારીઓ એ.સી.માં મસ્ત
મુસાફરોને બેસવા માટે બાંકડા,લીફટ,શૈચાલયની સુવિધા ઉભી કરવા મુસાફરોની માંગણી
રાજકોટની તાજેતરની મુલાકાતે આવેલા રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવની ઉપસ્થિતિમાં રેલવે તંત્રના બાબુઓએ રેલવેની અનેક સિધ્ધિઓને વર્ણવી હતી. કેટલીક મૂશ્કેલીઓ અંગે ઉઠેલા પત્રકારોના સવાલના જવાબમાં તાત્કાલીક સુવિધાઓ થઇ જશે એ પ્રકારની હૈયાધારણા રેલવેના બાબુઓએ આપી હતી. પરંતુ સામાન્ય મુસાફરોની સુવિધા તો ઠીક રેલવે તંત્રએ છેલ્લા ત્રણ મહિનાથી વિકલાંગ મુસાફરો માટે લિફટની સુવિધા પણ નથી કરી.
રાજકોટ રેલવે જંકશન ઉપરથી દરરોજની 30 જોડી કરતા વધારે ટ્રેનની અવર જવર રહે છે અને હજારો મુસાફરો મુસાફરી કરી રહ્યા છે ત્યારે પ્લેટફોર્મ નંબર 4 ઉપર મુસાફરોને આપવા માટેની પ્રાથમિક સુવિધાઓનો અભાવ જેમાં બેસવા માટેના બાકડા, શૈચાલય, તથા અડધો શેડ હોવાના હોવાના કારણે મુસાફરોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો હોય તાત્કાલિક સુવિધાઓ ઉભી કરવા માટે મુસાફરો માંથી માંગણી ઉઠવા પામી છે.
આ અંગેની પ્રાપ્ત વિગતો મુજબ રાજકોટ રેલવે જંકશન ઉપર કુલ 5 પ્લેટ ફોર્મ બનાવામાં આવ્યા છે જેમાં પ્લેટફોર્મ નંબર 1 થી 3 ઉપર મુસાફરો માટે સુવિધા ઉભી કરવામાં આવી છે જ્યારે પ્લેટફોર્મ નંબર 4 ઉપર મુસાફરો માટે પ્રાથમિક સુવિધાઓનો અભાવ છે જેમાં વુધધ, અપંગ તથા નાના બાળકોને જવા માટે લીફટની સુવિધા ન હોવાના કારણે સીડી ચડી ને જવું પડે છે.તેમજ પ્લેટફોર્મ નંબર 4 ઉપર અડધો શેડ નાખવામાં આવ્યો હોવાના કારણે મુસાફરોને આવી આકરી ગરમીમાં તડકે શેકવું પડે છે. તેમજ શૈચાલયની સુવિધાઓન હોવાના કારણે મુસાફરોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. આ ઉપરાંત પ્લેટફોર્મ નંબર 4 ઉપર ખાણી પીણીના સ્ટોલ ન હોવાના કારણે નાસ્તો અથવ પડીકા લેવા માટે પ્લેટફોર્મ નંબર 1 થી 3 ઉપર લેવા જવું પડે છે.આમ પ્લેટફોર્મ નંબર 4 ઉપર મુસાફરોને આપવામાં પ્રાથમિક સુવિધાઓનો અભાવ હોવાના કારણે મુસાફરોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે ત્યારે રાજકોટ રેલવે ડિવિઝન દ્વારા તાત્કાલિક સુવિધાઓ ઉભી કરવામાં આવે તેવી મુસાફરો માંથી માંગણી ઉઠવા પામી છે.
રાજકોટ રેલવે જંકશન ઉપરથી દરરોજની 30 જોડી ગાડીઓની અવર જવર થઈ રહીં છે જેમાં કેટલીક ટ્રેનો પ્લેટફોર્મ નંબર 4 ઉપર લાદવામાં આવે છે ત્યારે પ્લેટફોર્મ નંબર 4 ઉપર સુવીધા વધારવી ખુબજ જરૂરી બની છે.


