પરપ્રાંતિય મહિલા પુત્રને પોલીયાનું ઇન્જેકશન આપવા લઇ ગઇ અને કાળ ભેટયો : મૃતક મહિલાના ભાઇની ગંભીર હાલત : કાર ચાલક શખ્સની શોધખોળ
કાલાવડ રોડ પર આવેલા મેટોડા જીઆઇડીસીના ગેટ નં.3 પાસે હિટ એન્ડ રનની ઘટના બની હતી જેમાં કાર ચાલકે એક મહિલા તેના પુત્ર અને ભાઇને હડફેટે લીધા હતા. આ અકસ્માતમાં માતા-પુત્રના નિપજયા છે. જયારે મૃતક મહિલાના ભાઇની હાલત અતિ ગંભીર છે. અકસ્માત સર્જનાર કાર ચાલક નાસી છુટતા પોલીસે તેની સામે ગુનો નોંધી તેને ઝડપી લેવા માટે ચક્રોગતિમાન કર્યા છે. મૃતક મહિલા પોતાના બાળકને પોલીયાનું ઇન્જેકશન આપવા જતાં અકસ્માતનો ભોગ બન્યા હતા.
જાણવા મળ્યા મુજબ મેટોડા ગેઇટ નં. ૨ નજીકના મણીમંદિર પાસે રાતે વર્ના કાર નં. જીજે૦૩કેએચ-૪૬ની ઠોકરે ચડી જતાં એક યુવતિ અને તેમના દોઢ વર્ષના પુત્ર તથા બાર વર્ષના બાળકોને ઇજાઓ થતાં ત્રણેયને ૧૦૮ મારફત રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. બીજી તરફ આ અકસ્માત સર્જી કાર મુકી ચાલક ભાગી ગયો હતો. રાજકોટ સારવાર દરમિયાન પહેલા દોઢ વર્ષના બાળકનું અને બાદમાં મહિલાનું મોત થયું હતું. હોસ્પિટલ ચોકીના રામશીભાઇ વરૂ, કેતનભાઇ નિકોલા અને તૌફિકભાઇ જુણાચે મેટોડા પોલીસને જાણ કરી હતી.
પોલીસ તપાસમાં ખુલ્યા મુજબ મૃત્યુ પામનાર મહિલા મેટોડા ગેઇટ નં. ૨માં આવેલા શ્રીનાથજી પાર્કમાં રહેતી શીલાદેવી ચંદનકુમાર શાહ (ઉ.વ.૨૧) હતી. જ્યારે તેની સાથે મોતને ભેટેલો બાળક તેનો પુત્ર અંકુશ ચંદનકુમાર શાહ (ઉ.વ.દોઢ)) હતો. જ્યારે ગંભીર ઇજા પામનાર બાળકનું નામ રાજા કૈલાસભાઇ પાસવાન (ઉ.વ.૧૨) હોવાનું અને તે મૃતક શીલાદેવીનો ભાઇ થતો હોવાનું ખુલ્યું હતું.
વધુ માહિતી મુજબ મૃત્યુ પામનાર શીલાદેવી તેના પતિ, ભાઇ સહિતના પરિવાર સાથે એકાદ વર્ષ પહેલા બિહારથી મેટોડા આવી હતી. તેણી મુળ બિહારના બાંકા અમરપુરની વતની હતી. તેનો પતિ ચંદનકુમાર શાહ કારખાનામાં નોકરી કરે છે. શીલાદેવના દોઢ વર્ષના પુત્ર અંકુશને પોલીયોના ઇન્જેક્શનનો ગઇકાલે ડોઝ આપવાનો હોઇ તેણી પુત્ર અને ૧૨ વર્ષના ભાઇને સાથે લઇને મેટોડા ગેઇટ નં. ૩માં આવેલા ક્લીનીક પર ગઇ હતી. ત્યાંથી ત્રણેય ચાલીને પરત ગેઇટ નં. ૨ તરફ પોતાના ઘરે આવી રહ્યા હતાં અને રસ્તામાંથી શાકભાજી પણ લીધા હતાં. આ વખતે મણી મંદિર નજીક પહોંચ્યા ત્યારે કાર કાળ બનીને ત્રાટકી હતી. જેમાં શીલાદેવી અને દોઢ વર્ષના માસુમ પુત્રનો ભોગ લેવાયો હતો. પોલીસે વિશેષ તપાસ યથાવત રાખી છે.


