- હેલિકોપ્ટર ક્રેશ થયા બાદ એક સરકારી ટેલિગ્રામમાં કાળા ધ્વજને દર્શાવાયો
- ઈરાનમાં સુપ્રીમ લીડરે બોલાવી તાકીદની બેઠક
- હેલિકોપ્ટર ક્રેશ સાઈટ પર ગાઢ ધુમ્મસને લીધે રૅસ્ક્યૂમાં વિઘ્ન
ઈરાનના રાષ્ટ્રપતિ ઈબ્રાહિમ રઈસીના કાફલામાં રહેલા હેલિકોપ્ટર ક્રેશ થયાના અહેવાલ વચ્ચે સુપ્રીમ લીડરે તાકીદની કેન્દ્રીય બેઠક બોલાવી છે. મળતી માહિતી અનુસાર, રવિવારે સાંજે ઈરાનના રાષ્ટ્રપતિ ઈબ્રાહિમ રઈસી અજરબેજાનમાં એક ડેમના ઉદઘાટન બાદ પરત આવી રહ્યા હતા તે દરમિયાન તેમના હેલિકોપ્ટરને અકસ્માત નડયો હતો.
જો કે આ અકસ્માત હતો કે કાવતરું એ બાદમાં તપાસમાં વિષય રહ્યો હતો પરંતુ હાલ તો રૅસ્કયૂ ટીમને છેલ્લા ત્રણ કલાકથી ક્રેશ સાઈટ નથી મળી રહી. કારણ કે ઈરાનના ઉત્તર-પશ્ચિમમાં હેલિકોપ્ટર ક્રેશ થયાનું સામે આવ્યું હતું જે જીપીએસ સિસ્ટમથી સામે આવ્યું હતું. આ ઘટનાને લઈ ઈરાની સુપ્રીમ કમાન્ડરે એક તાકીદની કેન્દ્રીય બેઠક બોલાવી છે. આ દરમિયાન ઈરાન સરકારના અધિકારીનું નિવદેન સામે આવ્યું છે. તેમને જણાવ્યું કે, હેલિકોપ્ટર ક્રેશ સાઈટથી સારા સમાચાર નથી આવી રહ્યા.
ઈરાનના 63 વર્ષીય રાષ્ટ્રપતિ ઈબ્રાહિમ રઈસી એક કટ્ટરપંથી નેતા છે જેણે ઈરાનની ન્યાયતંત્રનું પણ નેતૃત્વ કર્યું છે. તેમને ઈરાનના સર્વોચ્ચ નેતા આયાતુલ્લા અલી ખામેનીના શિષ્ય તરીકે જોવામાં આવે છે અને કેટલાક વિશ્લેષકોએ સૂચવ્યું છે કે જો તેઓ મૃત્યુ પામે અથવા રાજીનામું આપે તો તેઓ 85 વર્ષીય નેતાનું સ્થાન લઈ શકે છે.
ઈરાનના રાષ્ટ્રપતિ ઈબ્રાહિમ રઈસીના હેલિકોપ્ટર ક્રેશના અહેવાલ બાદ સમગ્ર ઈરાનમાં પ્રાર્થનાઓનો દોર શરૂ થયો છે. રાષ્ટ્રપતિની સલામતીની પ્રાર્થનાઓ કરવામાં આવી રહી છે. આ દરમિયાન ઈરાની સૈન્ય દ્વારા રાષ્ટ્રપતિના હેલિકોપ્ટરને શોધવા સઘન તપાસ હાથ ધરવામાં આવી રહી છે.


