- બે દિવસ પહેલા બિશ્કેકમાં ઈજિપ્ત અને કિર્ગિઝ વિદ્યાર્થીઓ વચ્ચે મારામારી થઈ હતી
- વિદ્યાર્થીઓના મારામારીનો વીડિયો વાયરલ થતા પરિસ્થિતિ વણસી હોવાનો દાવો
- ભારતીય દૂતાવાસે સોશિયલ મીડિયા પર નંબર શેર કરી સ્થિતિ પર નજર રાખી રહ્યું છે
વિદેશી વિદ્યાર્થીઓ પર હુમલાની ઘટના કિર્ગિઝ વિદેશ મંત્રાલયે જણાવ્યું કે સરકારની કાયદાને મદદરૂપ થતી એજન્સીઓએ ઘટનામાં સંડોવાયેલા વિદેશી નાગરિકો અને કિર્ગિઝ નાગરિકોની અટકાયતમાં લેવા માટે તાત્કાલિક અસરથી પગલાં ઉઠાવ્યા છે. હાલ સ્થિતિ કંટ્રાલોમાં હોવાનો કિર્ગિસ્તાને દાવો કર્યો છે. હિંસામાં કોઈપણ વિદેશી નાગરિક ઈજાગ્રસ્ત થયાની જાણકારી કિર્ગિઝ વિદેશ મંત્રાલયને નથી મળી.
વિદ્યાર્થીઓની સલામતી માટે દૂતાવાસની સતત નજર : વિદેશ મંત્રી
કિર્ગિસ્તાનમાં આવેલા ભારતીય દૂતાવાસે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર જાણકારી આપી હતી. ભારતીય દૂતાવાસે જણાવ્યું કે અમે પોતાના વિદ્યાર્થીઓના સતત સંપર્કમાં છીએ. છતાં સાવચેતીના ભાગરૂપે વિદ્યાર્થીઓને સલાહ આપી દેવાઈ છે કે તેઓ હાલ પૂરતા ઘરની અંદર જ રહે. કોઈએ પણ કટોકટીની સ્થિતિમાં દૂતાવાસનો સંપર્ક કરો. અમારો 24 કલાકનો સંપર્ક નંબર 0555710041 છે. વિદેશ મંત્રી એસ જયશંકરે દૂતાવાસની પોસ્ટ શેર કરી તેમજ કહ્યું કે બિશ્કેકમાં ભારતીય વિદ્યાર્થીઓની સલામતી માટે સતત નજર રાખી રહ્યા છીએ.
પાકિસ્તાને ઘટના અંગે ચિંતા વ્યક્ત કરી
પાડોશી દેશ પાકિસ્તાને પણ ભારતની જેમ પોતાના વિદ્યાર્થીઓને સૂચના આપી છે કે તેઓ ઘરની અંદર જ રહે. પાકિસ્તાની મિશનની માનીએ તો બિશ્કેકમાં મેડિકલ યુનિવર્સિટીની કેટલીક હૉસ્ટેલમાં હુમલાઓની ઘટના સામે આવી છે. જેમાં ભારત, બાંગ્લાદેશ અને પાકિસ્તાનના વિદ્યાર્થીઓ રહે છે. પાકિસ્તાનના દૂતાવાસે એડવાઈઝરીમાં કહ્યું કે 13મી મેના રોજ કિર્ગિઝ અને ઈજિપ્તના વિદ્યાર્થીઓ વચ્ચે મારામારી થઈ હતી. આ મારામારીનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. જેથી આ વીડિયોના લીધે હિંસા વધુ ભડકી ઉઠી હતી. પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાઝ શરીફે બિશ્કેકની સ્થિતિ પર ચિંતા દર્શાવી હતી. તેમને બિશ્કેકમાં રહેલા રાજદૂતને વિદ્યાર્થીઓને તમામ જરૂરી મદદ કરવા સૂચના આપી છે


