સાંઢીયાપુલના નવીનીકરણ માટે આજથી વાહન વ્યવહાર બંધ કરી દેવામાં આવ્યો છે અને ભોમેશ્વર તરફ બાઇક માટે વન-વે ડાયવર્ઝન કાઢવામાં આવ્યું છે. પરંતુ કોઇપણ જાતના આયોજન વગર ડાયવર્ઝન કાઢતા ભોમેશ્વર તરફના રસ્તા પર ટ્રાફિક જામ સર્જાયો હતો. સાંઢીયાપુલ બંધ કરતાની સાથે જ ટ્રાફિક અંધાધૂંધી સર્જાય છે. સ્થાપિત હીત ધરાવતા અધિકારીઓ દ્વારા વાહન ચાલકોને માર્ગદર્શન આપ્યા વગર જ જાહેરનામુ પ્રસિધ્ધ કરી દેતા હાલ ભોમેશ્વર તરફના રસ્તા પર સામસામે વાહનો આવી જતાં ટ્રાફિકની અંધાધૂંધી સર્જાય છે. આ ટ્રાફિક અંધાધૂંધીથી પહેલા જ દિવસે પ્રજા ત્રસ્ત થઇ ગઇ છે. સંસદ સભ્ય, ધારાસભ્ય, આ વિસ્તારના નગરસેવકો તેમજ એસી ચેમ્બરોમાં બેસતા મ્યુનિ.કમિશનર, પોલીસ કમિશનર સહિતના અધિકારીઓની અણ આવડત અહીંયા છતી જોવા મળી રહી છે. પ્રજાના પાસે મત માંગતા નેતાઓ પણ હાલ પ્રજાથી વિમુખ જોવા મળી રહ્યા છે. આ ટ્રાફિક સમસ્યાથી પોણા ત્રણ લાખ ચાલકોને બે વર્ષ સુધી ગંભીર સમસ્યાનો સામનો કરવો પડશે ત્યારે ભોમેશ્વરના રહેવાસીઓને પણ પુલનું કામ પૂર્ણ ન થાય ત્યાં સુધી મુશ્કેલી વેઠવી પડશે તેવો સૂર સ્થાનિકોમાં ઉઠી રહ્યો છે અને તંત્ર સામે રોષ વ્યકત કરી રહ્યા છે.


