વન-વેમાં ફોરવ્હીલ સહિતના વાહનો સામ સામે આવી જતાં ટ્રાફિક સમસ્યા
જામનગર રોડ પરનો ઐતિહાસિક સાંઢીયા પુલને તોડી ત્યાં નવો પુલ બાંધવાની કામગીરી હાથ પર લેવામાં આવી છે. જે અંતર્ગત પોલીસ કમિશનર દ્વારા જાહેરનામુ બહાર પાડી આજથી સાંઢીયાપુલ બંધ કરી વાહનોની અવર-જવર પણ બંધ કરવામાં આવી છે. ટુ વ્હીલ માટે ભોમેશ્વર તરફ ડાયવર્ઝન આપવામાં આવ્યો છે. આ ડાયવર્ઝન વન-વે જાહેર કરવામાં આવ્યો છે. પરંતુ આજે વાહનો સામસામે આવી જતાં લાંબી કતારો લાગી હતી અને ટ્રાફિક સમસ્યા સર્જાઇ હતી. આ મુશ્કેલીનું મુખ્ય કારણ ટ્રાફિક જવાનને ત્યાં ડયુટી નહી સોંપવામાં આવી હોવાથી અંધાધૂંધીનો માહોલ થયો હોવાનું વાહન ચાલકો અને સ્થાનિકોમાં ચર્ચાઇ રહ્યું છે.
પોલીસ કમિશનર દ્વારા ભોમેશ્વરનો રસ્તો વન-વે જાહેર કર્યો છે. તેમજ શહેરમાં ભારે ગરમીના કારણે ટ્રાફિક પોલીસને બપોરે ૧ થી ૪ રજા આપવામાં આવી છે અને સવારે ૭ થી બપોરે ૧૨:3૦ સુધી ડયુટી સોંપવામાં આવી છે. પરંતુ આજે ભોમેશ્વર ડાયવર્ઝન પાસે એક પણ ટ્રાફિક પોલીસને ફરજ પર નહી મુકાતા પહેલા દિવસે જ ત્યાં ટ્રાફિક જામ સર્જાયો હતો. પોલીસ ફરજ પર નહી હોવાના કારણે ફોરવ્હીલ સહિતના વાહનો ત્યાંથી પસાર થયા હતા અને સામ સામે આવી ગયા હતા. જેના કારણે સવાર-સવારમાં જ ટ્રાફિક જોવા મળ્યો હતો અને વાહન ચાલકો કલાકો સુધી આ ટ્રાફિક જામમાં ફસાયા હતાં. ભોમેશ્વર તરફથી વાહન નીકળતાં સ્થાનિક રહીશોને પણ ભારે સમસ્યાનો સામનો કરવો પડયો છે. આ સમસ્યા આગામી બે થી અઢી વર્ષ સુધી સહન કરવી પડશે.
એસી ચેમ્બરોમાં રહેતા અધિકારીઓ ધરાતલ હક્કિતથી વાકેફ ન હોવાથી અને સ્થાનિક રહીશો તેમજ શહેરના આગેવાનો સાથે ટ્રાફિક બાબતેની ચર્ચા કર્યા વગર જ તેમજ શહેરના રોડ-મેપથી અજાણ પોલીસ અધિકારીઓ અને મનપાના અધિકારીઓ દ્વારા આ ડાયવર્ઝન કાઢી પુલની કામગીરી શરૂ કરાતા આશરે પોણા ત્રણ લાખથી વધુ લોકોને આ ટ્રાફિક સમસ્યાનો સામનો કરવો પડશે. તેવું રોષ પૂર્વક લોકો જણાવી રહ્યા છે.
સાંસદ સભ્ય, ધારાસભ્ય અને નગરસેવકો પણ પ્રજાથી વિમુખ
સાંઢીયા પુલનું કામ શરૂ થતાંની સાથે જ ટ્રાફિક સમસ્યા શરૂ થઇ ચુકી છે. વિવિધ રસ્તાઓ હોવા છતાં પણ ભોમેશ્વરના રસ્તા ડાયવર્ઝન કાઢવામાં આવ્યું છે અને ટ્રાફિક અંધાધૂંધી જોવા મળી રહી છે ત્યારે શહેરના ભૂગોળથી પ્રજાના પ્રતિનિધિઓ પણ હાલ પ્રજાથી વિમુખ થઇ ગયા હોવાનો ઘાટ સર્જાયો છે. સાંસદ સભ્યો, ધારાસભ્યો અને સ્થાનિક નગરસેવકો માત્ર મત માંગવા પૂરતા જ વિસ્તારોમાં આવી રહ્યા છે. જયારે ખરેખરી સમસ્યા સમયે પ્રજાની પડખે ઉભા રહેવાના બદલે જન પ્રતિનિધિઓ પ્રજાથી વિમુખ થઇ રહ્યા હોવાનું ચિત્ર ઉપસી રહ્યું છે. જેનાથી લોકોનો ગુસ્સો આસમાને પહોંચ્યો છે.


