- હમાસ અને ઈઝરાયલ વચ્ચે છેલ્લા સાત મહિના કરતાં વધુ સમયથી યુદ્ધ યથાવત્
- ઈઝરાયલ પર ઘણા દેશો દ્વારા યુદ્ધવિરામની અપીલ વચ્ચે હમાસે ફરી હુમલો કર્યો
- હમાસ પાસે ઈઝરાયલના બંધકો છતાં ઈઝરાયલથી પીછેહઠ કરવા તૈયાર નહિ
હમાસે ફરી એકવાર ઈઝરાયેલ પર મોટો હુમલો કર્યો છે. હમાસની સશસ્ત્ર પાંખ, અલ-કાસમ બ્રિગેડસે કહ્યું કે તેણે રવિવારે તેલ અવીવ પર એક મોટો મિસાઇલ હુમલો કર્યો. આ દરમિયાન ઈઝરાયેલની સેનાએ શહેરમાં સાયરન વગાડીને સંભવિત રોકેટ હુમલાની ચેતવણી આપી હતી. જેથી લોકોને હુમલાથી બચવા માટે એલર્ટ કરી શકાય.
રવિવારે હમાસની હથિયારધારી પાંખ અલ-કાસમ બ્રિગેડે તેની ટેલિગ્રામ ચેનલ પર દાવો કર્યો હતો કે નાગરિકો વિરુદ્ધ નરસંહારના જવાબમાં રોકેટ છોડવામાં આવ્યા હતા. જ્યારે હમાસે સૂત્રોને જણાવ્યું હતું કે ગાઝા પટ્ટીમાંથી રોકેટ છોડવામાં આવ્યા હતા. છેલ્લા 4 મહિનાથી તેલ અવીવમાં રોકેટ સાયરન સંભળાતા ન હતા. જો કે, ઈઝરાયેલી સેનાએ તરત જ સાયરન વાગવાનું કારણ સ્પષ્ટ કર્યું નથી.
જાનહાનિ નહીં થયાનો દાવો
મળતી વિગતો અનુસાર, ઈઝરાયેલની કટોકટી તબીબી સેવાઓએ કહ્યું કે તેમને કોઈ જાનહાનિના અહેવાલ મળ્યા નથી. આ મિસાઇલ હુમલો દર્શાવે છે કે ઈસ્લામિક જૂથ 7 મહિનાથી વધુ સમયથી હવાઈ અને જમીન સ્તર પર ઇઝરાયલી સૈન્ય હુમલાઓ છતાં લાંબા અંતરના રોકેટ ફાયર કરવામાં સક્ષમ છે.
જો બાઈડેનના કારણે ઈજિપ્તે રસ્તો ખોલ્યો
જો કે, આ મહિનાની શરૂઆતમાં ઈઝરાયલી સુરક્ષા દળોએ પેલેસ્ટિનિયન બાજુ પર કબજો મેળવ્યા પછી રફાહ ક્રોસિંગને બાયપાસ કરવા ઈજિપ્ત સાથેના નવા કરાર હેઠળ રવિવારે ટ્રકો દક્ષિણ ઇઝરાયેલથી ગાઝામાં પ્રવેશી હતી. પરંતુ તે સ્પષ્ટ ન હતું કે આ વિસ્તારમાં ચાલી રહેલી લડાઈને કારણે માનવતાવાદી જૂથો સહાય સુધી પહોંચવામાં સક્ષમ હશે કે કેમ. તે જ સમયે, ઇજિપ્તે જ્યાં સુધી ગાઝા બાજુનું નિયંત્રણ પેલેસ્ટિનિયનોને પાછું સોંપવામાં ન આવે ત્યાં સુધી રફાહ ક્રોસિંગના તેના ભાગને ફરીથી ખોલવાનો ઇનકાર કર્યો છે.
આ મુદ્દા પર યુએસ પ્રમુખ જો બાઈડેન અને ઈજિપ્તના પ્રમુખ અબ્દેલ-ફતાહ અલ-સીસી વચ્ચેની વાટાઘાટો બાદ તે ગાઝાના મુખ્ય કાર્ગો ટર્મિનલ અને ઇઝરાયેલના કેરેમ શાલોમ ક્રોસિંગ વચ્ચેના ટ્રાફિકને અસ્થાયી રૂપે ડાયવર્ટ કરવા સંમત થયા હતા.
ગાઝા વળતી કાર્યવાહીમાં મૃત્યુઆંક 35,000 ને વટાવી ગયો
હમાસે ગયા વર્ષે 7 ઓક્ટોબરે ઈઝરાયેલ પર હુમલો કરીને યુદ્ધની શરૂઆત કરી હતી, જેમાં પેલેસ્ટિનિયન આતંકવાદીઓએ લગભગ 1,200 લોકોની હત્યા કરી હતી. જેમાંથી મોટાભાગના નાગરિકો હતા અને લગભગ 250 લોકોને બંધક બનાવવામાં આવ્યા હતા.
હમાસે હજુ પણ લગભગ 250 લોકોને બંધક બનાવેલા છે. જેમાંથી 37 માર્યા ગયા છે. મળતી માહિતી અનુસાર. જ્યારે બાકીનાને ગયા વર્ષે યુદ્ધવિરામ દરમિયાન મુક્ત કરવામાં આવ્યા હતા. તે જ સમયે, ઈઝરાયેલના વળતા હુમલામાં ગાઝામાં ઓછામાં ઓછા 35,984 લોકો માર્યા ગયા છે, જેમાંથી મોટાભાગના નાગરિકો છે.


