- એક સપ્તાહમાં એર ટર્બુલન્સની બની બીજી ઘટના
- કતાર એરવેઝની ફ્લાઇટમાં બની ઘટના
- ક્રૂ મેમ્બર સહિત કુલ 12 લોકો થયા ઘાયલ
વધુ એકવાર ફ્લાઇટમાં એર ટર્બુલન્સની ઘટના સામે આવી છે. દોહાથી ડબલિન માટે ઉડાન ભરતી કતાર એરવેઝની ફ્લાઇટમાં એર ટર્બુલન્સની ઘટના બની . જેને કારણે 12 લોકો ઇજાગ્રસ્ત થયા હોવાનું સામે આવ્યું છે.
કતાર એરવેઝમાં બની ઘટના
ડબલિન એરપોર્ટ દ્વારા ટર્બુલેન્સ અંગે નિવેદન જાહેર કરવામાં આવ્યું છે. એરપોર્ટે જણાવ્યું હતું કે દોહાથી કતાર એરવેઝની ફ્લાઈટ QR017 રવિવારે 13.00 કલાક પહેલા નિર્ધારિત સમય મુજબ એરપોર્ટ પર સુરક્ષિત રીતે ઉતરી ગઈ હતી. પ્લેન લેન્ડિંગને લઇને એરપોર્ટ પર ઇમરજન્સી સેવાઓને પણ એલર્ટ કરી દેવામાં આવી હતી.
તુર્કી ઉપર હતું પ્લેન
એરપોર્ટે કહ્યું કે દોહાથી ટેકઓફ કર્યા બાદ જ્યારે પ્લેન તુર્કીની ઉપરથી પસાર થઈ રહ્યું હતું ત્યારે એર ટર્બુલન્સનો અનુભવ થયો હતો. આ ઘટનામાં 6 મુસાફરો અને 6 ક્રૂ મેમ્બર સહિત કુલ 12 લોકો ઘાયલ થયા છે. એરપોર્ટે ઘાયલ કર્મચારીઓને સંપૂર્ણ મદદ પૂરી પાડી છે.
સિંગાપોર એરલાઇન્સમાં બની હતી ઘટના
મહત્વનું છે કે છેલ્લા એક સપ્તાહમાં આ બીજી ઘટના છે. આ પહેલા સિંગાપોર એરલાઈન્સનું એક પ્લેન ટેક ઓફ કર્યા બાદ ટર્બ્યુલન્સનો શિકાર બન્યું હતું. વિમાને તરત જ બેંગકોકમાં ઈમરજન્સી લેન્ડિંગ કરાવ્યું હતું. આ ઘટનામાં વિમાનમાં સવાર 73 વર્ષીય બ્રિટિશ મુસાફરનું મોત થયું હતું જ્યારે 20 અન્ય લોકો ઘાયલ થયા હતા. ઇજાગ્રસ્ત મુસાફરોને માથા અને કરોડરજ્જુના ભાગે ગંભીર ઇજાઓ થઇ હતી.


