- R&Bના અભિપ્રાયની ઐસી કી તૈસી કરવામાં આવી હતી
- ફાયર સેફ્ટીની મંજૂરી મેળવવા માટે અભિપ્રાય આપ્યો હતો
- દુર્ઘટનામાં જવાબદારી સંચાલકોના શિરે રહેશે તેવો અભિપ્રાય
રાજકોટમાં ગત શનિવારે સર્જાયેલ ગોઝારા ગેમઝોન અગ્નિકાંડમાં 28 જેટલા લોકોના મોત થયા છે તો રોજે રોજ આ મામલે નવા ખુલાસાઓ થઈ રહ્યા છે. ત્યારે આ મામલે વધુ એક ચોંકાવનારો ખુલાસો થયો છે. જેમાં તંત્રની ઘોર બેદરકારી સામે આવી છે. રાજકોટના TRP ગેમઝોન માટે મંજૂરી માંગવામાં આવી હતી અને મહાનગરપાલિકાના માર્ગ અને મકાન વિભાગ દ્વારા પોલીસ કમિશનરને મંજૂરી આપવા માટે અભિપ્રાયો આપવામાં આવ્યા હતા. પરંતુ, R&B વિભાગના અભિપ્રાયોની અવગણના કરીને મંજૂરી આપી દેવામાં આવી હતી.
R&Bના અભિપ્રાયની ઐસી કી તૈસી કરવામાં આવી હતી
રાજકોટના TRP ગેમઝોનની મંજૂરી માટે માર્ગ અને મકાન વિભાગના સરકારી અભિપ્રાયની ઐસી કી તૈસી કરવામાં આવી હોવાનો ખુલાસો થયો છે. સંચાલકોએ તમામ નિયમોનો ઉલાળીયો કર્યો હોવાનું સામે આવ્યું છે. મળતી માહિતી મુજબ, TRP ગેમઝોનના રેસવે એન્ટરપ્રાઇઝના નામે એમ્યુઝમેન્ટ પાર્ક બનાવવા મંજૂરી માંગવામાં આવી હતી.
ઇલેક્ટ્રીક સાધનો, ગેસનો ઉપયોગ કરવા પર પ્રતિબંધ હતો
જોકે મનપાના માર્ગ અને મકાન વિભાગ દ્વારા ગેમઝોનને લઈને કમિશનરને અભિપ્રાયો આપવામાં આવ્યા હતા. જેમાં આગ, વાવાઝોડા કે અન્ય અકસ્માતની જવાબદારી અયોજકોના શિરે રહેશે તેવી સૂચના અપાઈ હતી. તેમજ, ફાયર સેફટી અને યાંત્રિક રાઈડના ઉપયોગની મંજૂરી પણ ફરજીયાત લેવાની રહેશે તેવો અભિપ્રાય આપ્યો હતો. વધુમાં ઇલેક્ટ્રિક સાધનો અને ગેસ લાઇનનો ઉપયોગ કરવા પર પ્રતિબંધ હતો. આ તમામ અભિપ્રાયો છતાં સંચાલકો દ્વારા અભિપ્રાયો અને નિયમોનું ઉલ્લંઘન કરીને ચલાવવામાં આવી રહ્યું હતું.


