- સગીર સહિત બે મિત્રોએ ચોરીને અંજામ આપ્યો હતો
- રૂા.6.06 લાખનો મુદ્દામાલ પોલીસે રિકવર કર્યો
- આ બનાવ અંગે વધુ તપાસ ભરૂચ સીટી એ.ડીવીઝન પોલીસ કરી રહી છે
ભરૂચ નજીક નંદેલાવ ગામની હદમાં આવેલા મનોરથમ બંગ્લોઝમાં તાજેતરમાં ચોરીના બનાવમાં રૂા. 9.30 લાખની ચોરી થઈ હતી. જે બનાવમાં પોલીસે એક સગીર સહિત બે આરોપીને ઝડપી પાડી રૂા. રૂા.6.06 લાખનો મુદ્દામાલ રિકવર કર્યો હતો.
ચોરીના બનાવની હિરેન્દ્રસિંહ કેસરીસિંહ દરબારે ફરિયાદ આપી હતી કે, કેટલાક દિવસ અગાઉ તેઓ બહાર ગામ જતાં તેમના મનોરથમ બંગ્લોઝ ખાતેને મકાનને તાળુ માર્યું હતુ. તેઓ પરત ફરતા એવુ જણાયું હતું કે, કોઈ અજાણ્યા ઈસમે મકાનમાં પ્રવેશ કરી સોના-ચાંદીના દાગીના મળી કુલ રૂા. 9.30 લાખની ચોરી કરી હતી.
આ બનાવ અંગે સર્વેલન્સ સ્કોડ પીએસઆઈ ડી.એ.ઝાલા તેમજ સ્ટાફને સંયુકત માહિતી મળી હતી કે, આ ઘરફોડ ચોરીના ગુનામાં અગાઉ કરજણ પોલીસ સ્ટેશન ખાતે થયેલી લૂંટના બનાવમાં સામેલ આરોપી સુમીત રતિલાલ વણઝારા રહે.ભરૂચ અને તેના સગીર મિત્રની સંડોવણી હોઈ શકે છે. આ બાતમીના આધારે તપાસ કરતા સુમિત અને તેનો સગીર મિત્ર આ ચોરીમાં સંડોવાયેલ જણાયો હતો. સુમિત વણઝારાની સગીરના ઘરે અવરજવર હોવાથી ફરિયાદી અને તેના પરિવારના સભ્યોની દિવસ દરમ્યાનની દિનચર્યાથી તેઓ માહિતગાર હતા.
આરોપી સુમિત વણઝારા અને સગીરને પૈસાની જરૂર હોવાથી તેમજ મોજ-શોખની આદત હોવાના પગલે આયોજનબધ્ધ ચોરી કરી હતી. જેમાં ફરિયાદી અને તેનો પરિવાર બહારગામ ગયા હતા ત્યારે મકાનના પાછળના કિચનના ભાગે આવેલા બંધ દરવાજા મારફતે પ્રવેશ કરી લોકરને ગ્રાઈન્ડર મશીન વડે કટ કર્યું હતું અને તેમાં રહેલ સોના-ચાંદીના દાગીનાની ચોરી કરી હતી. પોલીસે આરોપીઓ પાસેથી રૂા.6.06 લાખનો મુદ્દામાલ પોલીસે રીકવર કર્યો હતો. આ બનાવ અંગે વધુ તપાસ ભરૂચ સીટી એ.ડીવીઝન પોલીસ કરી રહી છે.


