- ગોળીબારમાં એક નવ વર્ષીય ભારતીય મૂળની બાળકીની સ્થિતિ ગંભીર
- લંડનમાં બાઈક સવાર બે શખ્સોએ અચાનક રૅસ્ટોરન્ટમાં ગોળીબાર કર્યો
- બાઈકસવારે કરેલા ગોળીબારમાં કુલ ત્રણ લોકોને ગોળી વાગી
લંડન શહેરમાં આવેલી એક રૅસ્ટોરન્ટ પર બે બાઈકસવારે અચાનક ગોળીબાર શરૂ કરી દીધો હતો. જેથી આ રૅસ્ટોરન્ટમાં જમવા આવેલી એક નવ વર્ષની બાળકીને ગોળી વાગી હતી. જ્યારે અન્ય ત્રણ લોકોને પણ ગોળી વાગી હતી. જે નવ વર્ષની બાળકીને ગોળી વાગી હતી તે ભારતીય મૂળની હોવાનું સામે આવ્યું છે. આ બાળકી કેરળની છે. બુધવારે રાત્રીએ કિંગ્સલેન્ડ હાઈ સ્ટ્રીટમાં ડીનર માટે એક રૅસ્ટોરન્ટની અંદર ગઈ હતી. આ દરમિયાન થયેલી ગોળીબારમાં તેને ગોળી વાગી હતી.
અન્ય ત્રણ લોકોને ગોળી વાગી હતી
મેટ્રોપોલિટન પોલીસના જણાવ્યા અનુસાર રૅસ્ટોરન્ટની બહાર બેઠેલા ત્રણ લોકોને પણ ગોળી વાગી હતી અને તેમને સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. 26, 37 અને 42 વર્ષની વયના પુરુષો, “સ્થિર” સ્થિતિમાં હોવાનું કહેવાય છે, જોકે એક વ્યક્તિ ગંભીર રીતે ઘાયલ છે.
ગોળીબારને લઈ પોલીસ તપાસ શરૂ
મેટ્રોપોલિટન પોલીસ ડિટેક્ટીવ ચીફ સુપરિન્ટેન્ડેન્ટે એક નિવેદનમાં જણાવ્યું હતું કે: “એક નવ વર્ષની બાળકી જે તેના પરિવાર સાથે રૅસ્ટોરન્ટમાં બેઠી હતી તેને ગોળી વાગી હતી અને તે હોસ્પિટલમાં ગંભીર હાલતમાં છે. અમારી લાગણી તેના પરિવાર સાથે છે, સત્તાવાળાઓ તમામ શક્ય મદદ કરી રહ્યા છે.
અચાનક થયો ગોળીબાર
મળતી માહિતી અનુસાર, યુવતીનું નામ લિઝલ મારિયા છે, જે વિનય અને ગોથુરુથુના અજીશની પુત્રી છે, જે મૂળ ભારતના કોચીના રહેવાસી છે. પૂર્વ લંડનના એક વિસ્તારમાં પરિવાર ડિનર કરી રહ્યો હતો ત્યારે અચાનક ગોળીબાર થયો હતો. એવું માનવામાં આવે છે કે ફાયરિંગ કોઈ ગેંગ દ્વારા કરવામાં આવ્યું હતું.


