- ભૂતકાળના બનાવોની તપાસનો શ્વેતપત્ર જાહેર કરો : ક્ષત્રિય સંકલન સમિતિ
- HC જજની નિગરાનીમાં તપાસ સોંપો, રાજકોટમાં કલેક્ટરને આવેદન
- સમય મર્યાદામાં તપાસ પૂરી થાય અને પીડિતોને જલદી ન્યાય મળે તેવી માંગ
રાજકોટ ટીઆરપી ગેમઝોન હોનારતને લઈ ગુજરાત રાજ્યની રાજપૂત સંસ્થાઓની સંકલન સમિતિ, ગાંધીનગર દ્વારા શુક્રવારે રાજકોટ કલેક્ટરને આવેદન પત્ર પાઠવ્યું છે, જેમાં મૃતકના વારસોને ચાર લાખ નહિ પરંતુ 25 લાખ સહાય પૂરી પાડવા સહિતની માગણી કરાઈ છે. બીજી તરફ સંકલન સમિતિના આગેવાનોએ એસઆઈટીની તપાસ સામે સવાલો ઉઠાવ્યા હતા અને હાઈકોર્ટ જજની નિગરાનીમાં તપાસની માગ કરી હતી અને અગાઉ જે બનાવો કે હોનારત થઈ તેમાં તપાસનો શ્વેતપત્ર જાહેર કરવા કહેવાયું હતું.
રાજકોટ ગેમઝોનની હોનારતને લઈ સંકલન સમિતિએ આવેદન પત્રમાં માગ કરી હતી કે, મૃતકના પરિવારજનોને ચાર લાખની સહાય ચુકવવામાં આવી છે પરંતુ આવા કિસ્સામાં 25 લાખ સુધી વધારાની સહાય આપવી જોઈએ. આ હોનારતમાં જે પરિવારજનો અસરગ્રસ્ત છે અને આવા પરિવારમાં કમાવાવાળા કોઈ નથી તેવા કિસ્સામાં બાળકોની શિક્ષણની જવાબદારી સરકારે ઉપાડવી જોઈએ, પરિવારજનોમાંથી કોઈ એક વ્યક્તિને રહેમરાહે નોકરી આપવી જોઈએ, આ દુર્ઘટનાની તપાસ હાઈકોર્ટના જજની આગેવાનીમાં રચાયેલી કમિટી કે પંચ દ્વારા થાય અને સમય મર્યાદામાં તપાસ પૂરી થાય અને પીડિતોને જલદી ન્યાય મળે તે સહિતની માગણી કરવામાં આવી હતી.


