- ચોમાસાના આગમન પૂર્વે તળાવની કાયાપલટ કરવામાં આવે તેવી માગણી
- શહેરીજનોમાં રોષ : પાલિકા તંત્રની બેદરકારીથી તળાવની જીવસૃષ્ટિ પર પણ ખતરો
- હજારો માછલાઓ ઉપરાંત અનેક જીવસૃષ્ટિઓના મોતની ભીતિ સેવાઈ રહી છે
લીંબડીની નગરપાલિકાના કહેવાતા વહીવટદારો દ્વારા છડેચોક શહેરના ગટરના ગંદા પાણી શહેરની મધ્યમાં આવેલા ઐતિહાસિક દોલતસાગર તળાવમા ઠાલવવામાં આવતાં શહેરીજનોમાં રોષ ભભૂકી ઉઠયો છે. તળાવનુ પાણી દુષિત થતાં તળાવમાં રહેલા માછલાઓ અને અન્ય જીવસૃષ્ટિઓ પર ખતરો તોળાઈ રહ્યો છે. ચોમાસુ શરુ થાય એ પહેલાં ગટરના પાણી તળાવમાં પ્રવેશતા અટકાવી તળાવની યોગ્ય મરામત કરવામાં આવે એવું નગરજનો ઇચ્છી રહ્યા છીએ.
લીંબડીના પ્રજા વત્સલ રાજવી દોલતસિંહજીએ લોકોની સુવિધા માટે શહેરની મધ્યમાં વિશાળ પાકું તળાવ બનાવી અર્પણ કર્યું હતું. જેથી નગરજનોએ આ તળાવને દોલતસાગર નામ આપ્યું હતું. આ તળાવમાં ભરપૂર પાણી આવતા તળાવ કાંઠે આવેલા કુવા, વાવ, બોર તથા ડંકીના પાણીના તળ ઉંચા આવતા લોકોને બારેમાસ પીવાનું પાણી મળી રહે છે. પરંતુ હમણાં છેલ્લા કેટલાક દિવસોથી તાલુકા પંચાયત રોડ પરની ફ્તેસિંહ જીનની દિવાલ બાજુની મુખ્ય ગટર જે નગરપાલિકા રોડ પર નાળુ ક્રોસ કરી નવા બસ સ્ટેશન રોડ પરથી હાઇવે તરફ્ જતા ગટરના પાણી નાળા નીચે પાઈપો તુટતા ગટરના પાણી છડેચોક દોલતસાગરમાં ઠલવાય રહ્યા છે. જેના કારણે તળાવના પાણી દુષિત બની રહ્યાં છે. જેથી લીંબડી શહેરના પ્રકૃતિ પ્રેમીઓ અને નગરજનોમાં ભારે રોષ ફેલાયો છે. વહેલી તકે આ તુટેલા પાઈપ લાઈન રીપેરીંગ કામ હાથ ધરી ઐતિહાસિક તળાવનો રાજાશાહી વખતનો વારસો જળવાય રહે તેવુ લોકો ઈચ્છી રહ્યા છે. આ ઉપરાંત લીંબડીના રાજાશાહી યુગની યાદ અપાવતા આ તળાવમાં પાલિકા દ્વારા ગટરના ગંદા પાણીનો નિકાલ કરાતા તળાવની અંદર હજારો માછલાઓ ઉપરાંત અનેક જીવસૃષ્ટિઓના મોતની ભીતિ સેવાઈ રહી છે. ત્યારે વહેલી તળાવની સફાઈ થાય તેમ શહેરીજનો ઈચ્છી રહ્યા છે.


