મનપા તંત્રએ હોસ્ટેલો, હોસ્પિટલો, શૈક્ષણિક સંસ્થાઓ, મોલ ઉપર આડેધડ કાયદાની તલવાર વીંઝી ‘સીલ’ મારવા માંડયા
આમ થશે તો પોણા રાજકોટના વેપાર ધંધા,શિક્ષણ બંધ થઇ જશે : સાગઠિયા કાળમાં મંજુર થયેલા પ્રોજેકટોમાં રહી ગયેલી ત્રુટીઓને લીગલાઇઝ કરવા માટે વેપારીઓને નોટિસ પિરિયડ આપવા ચોમેરથી ઉઠેલી માગણી
ટીઆરપી આગકાંડ બાદ સરકાર ઉપર આવેલા દબાણને પગલે રાજકોટ મનપા કમિશ્નર અને અન્ય તંત્રએ રાજકોટમાં આડેધડ કાયદાની તલવાર વિંઝવાની શરૂઆત કરતાં હવે રાજકોટના વેપાર ધંધા, શિક્ષણ, હોસ્ટેલો, હોસ્પિટલ સેવાઓ ઠપ થઇ જવાનો ડર ઉભો થયો છે. આ સામે ભાજપ સરકાર સામે ચોમેરથી તિવ્ર વિરોધ ઉઠયો છે. આટલું મોટુ કાંડ થયા બાદ સાગઠિયા જેવા અધિકારી સાથે હનિમુન કરનાર ભાજપના મનપાના પદાધિકારીઓનો વાળ વાંકો થયો નથી ત્યારે રાજકોટની સંખ્યાબંધ સ્કુલો, હોસ્ટેલો, હોસ્પિટલો,મોલ અને વેપાર ઉદ્યોગ ઉપર પોલીસ સાથેની મનપા અને અન્ય એજન્સીઓની ટીમ પહોંચી જઇને ડરનો જે માહોલ ઉભો કરી રહી છે તેના ઘેરા પ્રત્યાઘાત પડયા છે. સાગઠિયા કાળમાં મંજુર થયેલા પ્રોજેકટોને હવે ગેરકાયદે ગણીને તેનું કાયદેસર કરવા લેવા જોઇતાં પગલાં સુચવવાને બદલે સીધુ જ ‘ સીલ’ કરવાનું હથિયાર ઉગામતાં મનપા તંત્ર સામે વેપાર ઉદ્યોગમાંથી હવે વિરોધનો સૂર ઉઠયો છે.
તાજેતરમાં રાજકોટની અનેક હોસ્ટેલોમાં મનપા તંત્ર પહોંચી ગયુ હતું અને હોસ્ટેલોને ‘ સીલ’ કરતાં બહારગામથી જુદી જુદી જ્ઞાતિઓની હોસ્ટેલોમાં રહેતાં વિદ્યાર્થીઓ રાતો રાત રસ્તા ઉપર આવી ગયા હતાં. અનેક વિદ્યાર્થીઓને રહેવાની અન્યત્ર સગવડતાં ન મળતાં શિક્ષણ છોડી પોતાના વતન ઉચાળા ભરવા માંડયા છે.
આ જ રીતે સાગઠિયાએ મોટા કોથળા ભરીને આપેલી અનેક પરમિશનો ઉપર હવે નોટિસને બદલે સીધુ જ નવા કમિશ્નરના આદેશ મુજબ સીલ મારવાના આંધળુકિયા પગલાં લેવાતાં રાજકોટની સંખ્યાબંધ શાળા, કોલેજો, હોસ્ટેલો, હોસ્પિટલો મોલના રિટેઇલ સ્ટોર વગેરે બંધ થઇ ગયા છે. આ જ રીતે મનપા તંત્ર પગલાં લેતું રહયુ તો ભાજપની સરકારમાં જ ભાજપને મત આપનાર રાજકોટવાસીઓ વેપાર ધંધાર્થીઓ સરકાર પ્રેરિત અંધાધુંધીમા સપડાઇ જશે અને જો તમામ મિલ્કતો સીલ કરવામાં આવે તો પોણું રાજકોટ બંધ થઇ જાય તેવી સ્થીતિ છે.
તો પદાધિકારીઓની જવાબદારી શું ?
ટીઆરપીકાંડમાં સાગઠિયા સહિતના કેટલાક અધિકારીઓ અને પોલીસ તંત્રમાં બે પી.આઇ. સિવાય હજુ સીટ કોઇ સામે ખાસ નકકર પગલાં લઇ શકી નથી. આથી આ સમગ્ર કાંડ આ અધિકારીઓએ જ કર્યુ હોય તેમ તેમના ઉપર માટલું ફોડવાની તૈયારીઓ થઇ રહી હોય એવી ફરિયાદો ઉઠી છે. જો મધ્ય હરોળના અધિકારીઓ જ તંત્ર ચલાવતાં હોય અને તેમની જ બધી જવાબદારી હોય તો તેમની ઉપર ચેમ્બરોમાં બેસતાં આઇએએસ અને આઇપીએસ અને સંકલનના નામે વહિવટ કરતા પદાધિકારીની જવાબદારી શું છે? આટલા વરસોથી ચાલતાં સાગઠિયાકાંડને ન સમજી શકે તેવા ચેરમેનો અને અધિકારીઓની નિયત અથવા ક્ષમતા બન્ને ઉપર સવાલ આવે છે.
ચેમ્બર ઓફ કોમર્સ ‘ચેમ્બર’માંથી બહાર આવશે ?
મુખ્યમંત્રીઓ અને અન્ય નેતાઓના સન્માન સમારોહ ગોઠવવામાં ઉત્સાહ ધરાવતી રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સની વર્તમાન બોડી સામે પણ વેપાર ધંધાર્થીઓમાંથી સવાલ ઉભા થયા. છે. નેતાઓની નિકટ જવા ચાંપલુસી કરતાં ચેમ્બરના પદાધિકારીઓ હાલ સમગ્ર રાજકોટના વેપાર ધંધાર્થીઓ સરકારી તંત્રની તવાઇનો ભોગ બની રહયા છે ત્યારે તંત્ર સાથે કાયદેસર કાર્યવાહિના માર્ગે સમાધાન સાથે પગલાં લ્યે તે માટે કેમ આગળ નથી આવતી? એવો સવાલ થાય છે.ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ વી.પી. વૈષ્ણવ અને અન્ય પદાધિકારીઓએ તથા અન્ય વેપાર ઉદ્યોગ સંગઠનોએ પણ આ મામલે આગેવાની લઇ વેપાર ધંધાર્થીઓની તમામ મિલ્કતો સુચારુ ઢંગથી કાયદેસર થાય અને વેપાર ધંધા બંધ ન થાય તે માટે પ્રયાસ કરવા જરૂરી છે.
વેપારીઓનો સવાલ, સતા પાસે શાણપણ ચાલતું નથી
રાજકોટમાં ચોમેર અધિકારી રાજનો દંડો પડયો છે. મનફાવે ત્યાં પોલીસ સાથેની ટુકડી પહોંચી હોસ્ટેલો, હોસ્પિટલો, મોલ, રિટેઇલ સ્ટોર, શૈક્ષણિક સંકુલો સીલ કરવા માંડી છે. જે સ્થળે મનપાની ટુકડી ત્રાટકે છે ત્યાં માત્ર કાયદાનો ડર બતાવી મિલ્કતો સીલ કરવાનો જ તેમનો હેતું હોય છે. જે મિલ્કતોમાં હાલના અધિકારી ગેરકાયદે બાબતો બતાવે છે તેની કાયદેસરતા મનપા તંત્રએ આપી છે. અધિકારી બદલે એટલે કાયદાનું અર્થઘટન બદલે તો લોકો વેપાર ધંધા કઇ રીતે કરી શકે તેવો સવાલ ઉઠયો છે. સામા પક્ષે ટીઆરપી આગકાંડ થયો હોવાથી હવે ભાજપના લડાયક નેતાઓ વેપારીઓ ફરિયાદ કરવા જાય છે ત્યારે મોં છુપાવે છે. આથી ભાજપ સરકાર પણ હવે લોકોમા અપ્રિય થવા માડી છે. સરકાર ગૂનેગારો સામે પગલાં લેવાને બદલે વેપાર ધંધાર્થીઓને દંડતી હોવાની વ્યાપક છાપ ઉભી થઇ છે.
સરકારનો વેપાર ઉદ્યોગને હેરાન કરવાનો હેતુ નથી : રામભાઇ મોકરિયા
મ્યુ.કમિશ્નરને તાકિદ કરી છે. માત્ર સમશ્યાઓ ઉભી ન કરો, મિલ્કતો કાયદેસર કરવા સમાધાન પણ આપવા જણાવાયુ છે : સાંસદ રૂપાલાની હાજરીમાં તમામ તંત્ર અને વેપાર ઉદ્યોગ સંગઠનની બેઠક યોજવા પણ તૈયારી
કેન્દ્રમાં ભારતિય જનતા પાર્ટીને મોટો ઝટકો લાગ્યો છે. ત્યારે ગુજરાતમાં પણ અધિકારીઓના અંધેર વહિવટને કારણે વેપાર ઉદ્યોગ અને જનસામાન્યમાં ભાજપ સરકાર સામે રોષ ઉઠે તેવી શકયતા છે. વેપાર ઉદ્યોગમાં શરૂ થયેલા ‘સીલ’ મારવાના સીલસીલાથી હેરાન થયેલા ધંધાર્થીઓએ સાંસદ રામભાઇ મોકરિયાને રજૂઆત કરી છે. તેમણે કહયુ કે જે તે સમયે જે અધિકારીઓ હતાં તેમની પાસે અમોએ મિલ્કત કાયદેસર કરાવી છે. પરંતુ આગકાંડને પગલે જે તપાસ ટુકડીઓ આવે છે એ તંત્રએ જ આપેલા એનઓસી અને બી.યુ.ને અવગણીને સીધી જ મિલ્કતો સીલ કરે છે અથવા મિલ્કતો સીલ કરવાની ધમકી આપે છે. આ કારણે હોસ્ટેલ,હોસ્પિટલોના સંચલકોની હાલત કફોડી થઇ છે.
રામભાઇ મોકરિયાઅ આ રજૂઆતોને પગલે જણાવ્યુ હતું કે સરકારનો ઇરાદો વેપાર ઉદ્યોગ,શિક્ષણ કે હોસ્પિટલોને હેરાન કરવાનો નથી. પરંતુ ભવિષ્યમાં આવી દુર્ઘટનાઓ ન બને એ માટે તકેદારીના પગલાં લેવાનો છે. જે તમામના હિતમાં છે. પરંતુ આ મામલે રાજકોટ મનપા કમિશ્નરનું ફોન ઉપર ધ્યાન દોર્યુ છે. તેમણ જણાવાયુ છે કે, માત્ર સમશ્યા ખડી નહિ કરો. ગેરકાયદે બાંધકામ કે કોઇ પરવાનગીઓ ન હોય તો સમૂળગા વેપાર ધંધા સીલ કરવાને બદલે તેમાં નિષ્ણાતોની સલાહ મુજબ જરુરી ફેરફાર કરી તેને તાત્કાલીક કાયદેસર પણ કરવામાં આવે. આ સમય દરમિયાન નોટિસ પિરિયડ પણ આપવો જરૂરી છે. મ્યુ.કમિશ્નરે પણ આ મામલે હકારાત્મક અભિગમ દાખવ્યો છે. નજીકના દિવસોમાં જ રાજકોટના સાંસદ પરસોતમ રૂપાલા રાજકોટ આવશે ત્યાર બાદ તમામ અધિકારીઓ અને વેપાર ઉદ્યોગ સંગઠનની એક સંકલન બેઠક યોજી વેપાર ધંધાર્થીને બીન જરૂરી હેરાનગતિ ન થાય અને કાયદાનું ચુસ્તીપૂર્વક પાલન થાય તેવી વ્યવસ્થા ગોઠવવા પણ પ્રયાસો થશે.
કાયદાપાલન કરી વેપાર ધંધો કરવા માગતા ધંધાર્થીઓ
માટે અગ્ર ગુજરાતની પહેલ : અન્યાયની અમોને કરો રજૂઆત
ટીઆરપી કાંડ બાદ ઘાંઘી બનેલી સરકારે તંત્ર ઉપર દબાણ કરતાં હવે મનપા સહિતના તંત્રએ સમગ્ર શહેરમાં કાયદાની તલવાર વિંઝી છે. આ કારણે નાના નાના ગામડાઓમાંથી આવીને અભ્યાસ કરતાં ગરીબ વિદ્યાર્થીઓ રઝળી પડયા છે. અનેક જ્ઞાતિઓની બોર્ડીંગો, હોસ્ટેલો બંધ થઇ ગઇ છે. અનેક શાળાઓને તાળા લાગી ગયા છે. અનેકને સીલ લાગી ગયા છે. અનેક હોસ્પિટલોને સીલ લાગવાની તાકિદ થઇ રહી છે. આવી તમામ પ્રોપર્ટી બનતી ત્વરાએ કાયદેસર થવી જોઇએ. મનપા અને અન્ય તંત્રના સુરક્ષાના તમામ નોર્મ પૂર્ણ થવા જોઇએ. પરંતુ આ સમાધાન પણ મનપા તંત્રએ જ આપવું રહયુ. આ માટેનો નિયત નોટિસ પિરિયડ પણ મનપા તંત્રએ જ આપવો જોઇએ. આ કામગીરી ફાસ્ટટ્રેકમાં થાય અને તેની મંજુરી પણ મનપા તંત્ર એટલી જ ત્વરાએ આપે એ સમયની માગ છે. આમ છતાં આ મામલે રાજકોટના વેપાર ઉદ્યોગ ધંધાર્થીઓને તંત્ર સામે કોઇ ફરિયાદ હોય તો આપની સમશ્યા ઉજાગર કરવા અગ્ર ગુજરાત એક કદમ આગળ આવશે. આપ વોટસેપ નંબર …………………..ઉપર આપની સમસ્યા જણાવશો. અમો ન માત્ર આપની સમસ્યાને અગ્ર ગુજરાતમા વાચા આપીશુ. સાથે સાથે યોગ્ય તંત્ર સમક્ષ પણ આપની ફરિયાદ પહોંચાડી આપની કાયદેસર ફરિયાદોમાં ન્યાય અપાવવા પણ સકારાત્મક પ્રયાસ કરીશુ. તંત્ર અને પ્રજા વચ્ચે કડી બનવા અગ્ર ગુજરાત તત્પર રહેશે.
આગકાંડમાં દાઝી ન જવાય એ માટે અનેક નેતાઓ અધિકારીઓ
વેપાર ધંધાર્થીઓથી અંતર રાખવા માંડયા: વેપારીઓ લાચાર
મત લેવા સમયે લોકોને હાથ જોડતાં પદાધિકારીઓ કહે છે એ તો કાયદેસર કાર્યવાહિ છે અમે કાંઇ ન કરી શકીએ આવી બાબતમા ફોન ન કરવા……
ટીઆરપી આગકાંડમાં સાગઠિયા જેવા અનેક અધિકારીઓ અને નેતાઓએ ખીસ્સા ભર્યા હશે. આગકાંડને પગલે સરકારે કડક પગલાં લીધા છે. મનપા કમિશ્નર અને પોલીસ કમિશ્નરની બદલી કરી નાંખી છે. અનેકને સસ્પેન્ડ કર્યા છે. સીટ હજુ તપાસ કરે છે અનેકના તપેલાં ચડવાની રાહ જોવાય છે. આ વચ્ચે ભવિષ્યમાં આવી કોઇ દુર્ઘટના ન બને તે માટે નવા અધિકારીઓને કોઇની સેહ શરમ વગર ગેરકાયદે મિલ્કતો ઉપર તુટી પડવા આદેશ આપ્યો છે. આ મુજબ રાજકોટમાં શાળા, કોલેજો, હોસ્પટેલ, હોસ્પિટલ સહિતની તમામ પ્રોપ્રર્ટીના ફાયર એનઓસી અને અન્ય લીગાલીટી તપાસી સીલ કરવાની કાર્યવાહિ થઇ રહી છે. આ કાર્યવાહીને સમાજના તમામ વર્ગ તરફથી આવકારવામાં પણ આવી રહી છે. પરંતુ કાર્યવાહીને નામે વેપારીઓની હેરાનગતિ શરુ થઇ છે. તેમની પાસે એનઓસી હોય છતાં પ્રોપર્ટીઓ જુદા જુદા મૌખિક કારણો કે નવી નોટિસો પાઠવી સીલ થવા માંડી છે. આવા સંજોગોમાં વેપાર ધંધાર્થીઓ તેમના નિકટના ભાજપના પરિચિત કોર્પોરેટર,નેતાઓ કે શહેર ભાજપના આગેવાનોને ફોન કરે છે. પરંતુ ટીઆરપી આગકાંડથી ડઘાઇ ગયેલા આ રાજકીય નેતાઓ તેમના દામન ઉપર છાંટા ન ઉડે એ માટે મદદ માંગનાર વેપાર ધંધાર્થીઓથી અંતર રાખવા માંડયા છે. અગાઉ ભલામણો કરનારા નેતાઓ કહે છે તંત્ર તંત્રનું કામ કરશે. આવી બાબતમાં મને ભલામણ કરવી નહી.
મનપા તંત્ર અને અન્ય તંત્રની કાર્યવાહિની આ નોબત આ જ ભ્રષ્ટ તંત્રને કારણે આવી છે. તો એકલાં વેપારીઓને જ દંડવાની આ નીતિ સામે લોકરોષ ઉભો થયો છે. આવા સંજોગોમાં ભાજપના નેતાઓ ન્યાયિક કાર્યવાહિ માટે આગળ નહિ આવે તો લોકોમાં નેતાઓ માટે પણ ચોકકસ છાપ ઉભી થશે.


