- આઠ વર્ષ પહેલા બનેલી ઘટના બાદ આજે ફરિયાદ કરાઈ, વિદ્યાર્થિનીને ગિફ્ટ લેવાના બહાને બોલાવી રૂમમાં ખેંચી ગયા
- વોટ્સએપ ગ્રૂપમાં ન્યૂડ વીડિયો કોલ અને બીભત્સ વાતો કરાવતા હતા : ફરિયાદ નોંધાતા જેપી સ્વામી વડતાલમાંથી ફરાર
- આ ચકચાર પ્રકરણમાં પીડિતાએ ગઈકાલે રાતે વાડી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી
વડોદરાના વાડી વિસ્તારના વડતાલ સ્વામિનારાયણ મંદિરની રૂમમાં 14 વર્ષની વિદ્યાર્થિની સાથે 2016માં કોઠારી જે.પી. સ્વામીએ દુષ્કર્મ કર્યુ હોવાના આરોપ સાથે પીડિતાએ ગઈકાલે વાડી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા ખળભળાટ મચ્યો છે. પોલીસે પૂર્વ કોઠારી જગત પાવનદાસ સ્વામી વિરૂદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
વડોદરાના માંજલપુર વિસ્તારમાં રહેતી 23 વર્ષની યુવતી 14 વર્ષની હતી. ત્યારે વાડીના સ્વામીનારાણય મંદિરમાં પરિવાર સાથે દર્શન કરવા જતી હતી. તે સમયે પીડિતા ધો.10માં ભણતી હતી. દરમિયાન વાડી મંદિરમાં 2015માં કોઠારી તરીકે જગત પાવનદાસ સ્વામી (જે.પી. સ્વામી) આવ્યાં હતાં. જે.પી. સ્વામીએ એક રાતે સાડા દસ વાગે વિદ્યાર્થિનીના પિતાના નંબર પર ફોન કર્યો હતો. તે ફોન વિદ્યાર્થિની પાસે હતો. ત્યાર બાદ સ્વામીએ વિદ્યાર્થિની પાસે તેનો નંબર મેળવી લઈ તેની સાથે વોટ્સઅપ ચેટ કરવા લાગ્યા હતા. સ્વામી વિદેશ જવાના હોવાથી વિદ્યાર્થિની સાથે ગિફ્ટની વાત કરી હતી. વિદ્યાર્થિનીએ તે સમયે ગિફ્ટ સ્વિકારવાની ના પાડી હતી. તેમ છતાં સ્વામી વિદેશથી તેના માટે ગિફટમાં કાંડા ઘડિયાળ લાવ્યાં હતાં. જે બાદ સ્વામીએ ગિફ્ટ લેવા બોલાવતા વિદ્યાર્થિનીએ તે પિતાને આપવાની વાત કરી હતી. પરંતુ સ્વામીએ જીદ કરી તેને વાડીના મંદિરે બોલાવી હતી. સ્વામીએ 10 સપ્ટેમ્બરે 2016ના પોણા નવ વાગે આરતીના સમયે વિદ્યાર્થિનીને મંદિર નીચેની રૂમમાં બોલાવી હતી. વિદ્યાર્થિની રૂમ પાસે ગઈ ત્યારે અંધારુ હતું. જે બાદ સ્વામી હાથ ખેંચી તેને રૂમની અંદર લઈ ગયા અને પોતાની હવસનો શિકાર બનાવી હતી. સ્વામીએ વોટ્સએપ ગ્રૂપમાં ન્યૂડ વીડિયો કોલ અને બિભત્સ વાતો પણ કરાવતો હતો. આ ચકચાર પ્રકરણમાં પીડિતાએ ગઈકાલે રાતે વાડી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદ નોંધાવ્યાના મીડિયામાં અહેવાલો શરૂ થતા સ્વામિનારાયણ સંપ્રદાયમાં હલચલ મચી હતી. બીજી તરફ, જે.પી. સ્વામી વડતાલથી ફરાર થઈ ગયા હોવાનું સૂત્રો પાસે જાણવા મળ્યું છે.
સ્વામીએ પોતે દવા પીવાની અને મારા પરિવારને મારવાની ધમકી આપી હતી : પીડિતા
પીડિતાએ મીડિયા સમક્ષ જણાવ્યું હતું કે, અમે 2014થી મંદિરે દર્શન કરવા જતાં હતાં. જગત પાવનદાસ સ્વામી વાડી સ્વામિનારાયણ મંદિરના કોઠારી હતાં. આ ઘટના 10 સપ્ટેમ્બર 2016એ બની ત્યારે મારી ઉંમર 14 વર્ષની હતી. ગિફ્ટ આપવાના બહાને સ્વામીએ મને વાડી સ્વામિનારાયણ મંદિરની રૂમમાં બોલાવી જબરજસ્તી કરી હતી. જે બાદ કોઇને કહીશ તો હું દવા પી લઈશ અને તારા પરિવારના જાનથી મારી નાંખીશ તેવી ધમકી આપી હતી. તે સમયે મારી પાસે પોલીસમાં ફરિયાદ કરવાનો સોર્સ ન હતો. બીજી છોકરી સાથે આ પ્રકારની ઘટના ન બને અને સ્વામીને કડક સજા થાય તેવી મારી માંગણી છે. મંદીરના એચ.પી.સ્વામી, જે.પી. સ્વામી અને કે.પી. સ્વામી સામે મારી ફરિયાદ છે.


