- ઓચિંતા છાપો મારતા ખનીજચોરોમાં નાસભાગ મચી
- જસાપર ડેમના કાંઠે ખેતરમાં ચાલતી ખાણ પર દરોડામાં ત્રણ ડમ્પર સહિતનો મુદ્દામાલ જપ્ત કરાયો
- તમામ ખનીજચોરો અંધારામાં ભાગી છૂટયા હતા
સાયલા પંથકમાં ગેરકાયદે ખનીજના ખોદકામની મળેલી ફરિયાદોને લઇ તંત્રના સંયુકત દરોડામાં કેરાળા, જસાપરના સીમ વિસ્તારોમાં ધમધમતી ત્રણ ખાણો પર હાથ ધરાયેલ તપાસમાં ખનીજચોરીનું કારસ્તાન બહાર આવતા ચકચાર મચી જવા પામી છે. ત્રણે સ્થાનો પર તંત્રની ટીમોએ એક્સવેટર મશીનો, ડમ્પર સહિતનો મુદ્દામાલ જપ્ત કરતા ખનીજ માફીયાઓ રાજકીય ગોડફધરોના શરણે દોડી ગયા હતા.
સાયલા તાલુકાના કેરાળા ગામની સીમમાં આવેલ ખારા તરીકે ઓળખાતા વિસ્તાર માં કેટલાક શખ્સો દ્વારા મોટાપાયે ગેરકાયદે ખોદકામ કરાઇ રહ્યું હોવાની મળેલી ફરિયાદોને લઇ સુરેન્દ્રનગર જીલ્લા ખાણ ખનીજ વિભાગ દ્વારા મોડી રાત્રે કરાયેલ દરોડા સમયે પત્થરની ખાણમાં કામ કરતા લોકોમાં નાસભાગ મચી જવા પામી હતી અને તમામ ખનીજચોરો અંધારામાં ભાગી છૂટયા હતા. તંત્ર દ્વારા મોટા વિસ્તારમાં કરાયેલ ખોદકામ જોતા આ કારસ્તાન લાંબા સમયથી ચાલતું હોવાનુ. પણ બહાર આવ્યું હતું. 3 એક્સવેટર મશીનો, ત્રણ ડમ્પર સહીતનો મુદ્દામાલ જપ્ત કરાયો હતો. પરંતુ એક પણ શખ્સ હાથમાં નહીં આવતા ગેરકાયદે ખાણ પર પંચ રોજકામ કરી વાહનોના માલીકોના નિવેદનો નોંધવાની તજવીજ હાથ ધરવામાં આવી હતી. ખનીજ તથા પોલીસ વિભાગના અન્ય એક દરોડામાં જુના જસાપર ગામે ડેમના કાંઠે આવેલ ખેતરમાં ગેરકાયદે ચાલતી ખાણ પર દરોડામાં પણ કોઇ વ્યક્તિ હાજર નહોતી મળી આવી. પરંતુ મોટા પ્રમાણમાં થયેલા ખોદકામને જોતા સ્થાનિક તંત્રની મીઠી નજર હેઠળ લાંબા સમયથી આ કાળો કારોબાર ચાલતો હોવાનું સુત્રોએ જણાવ્યું હતું. હાલ તો મશીનો, ડમ્પરો જપ્ત કરવાની તંત્રની કામગીરીથી ગેરકાયદે ખનન કરતા તત્વો ભોંભીતર થઇ જવા પામ્યા છે. ત્યારે આગામી સમયમાં આ ખાણો ખોદનાર મુખ્ય સુત્રધારો વિરુદ્ધ પણ કાર્યવાહી કરાશે કે ભીનું સંકેલી લેવાશે? તેવો પ્રશ્ન જન માણસમાં ઉઠી રહ્યો છે.


