મોરબી:ગામડે વડીલો પાર્જીત ૩૦ વીઘા જમીન ભાગ કરવાનું કહેતા જે બાબતનું મનદુઃખ રાખી સગા ભત્રીજાએ કાકાને છરી વડે હોઠ ઉપર તથા માથામાં ઈજાઓ પહોંચાડી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. જ્યારે છોડાવવા વચ્ચે પડેલ કાકાના દીકરાને પણ હાથની આંગળીઓમાં છરી લાગી ગઈ હતી. બનાવ બાદ ઇજાગ્રસ્ત પિતા પુત્રએ મોરબીની ખાનગી હોસ્પિટલમાં સારવાર લીધી હતી ત્યારે સમગ્ર બાબતે સીટી એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપી સામે ગુનો નોંધી આરોપીની અટક કરવા તજવીજ હાથ ધરી છે.
મળતી માહિતી અનુસાર મોરબી તાલુકાના ગુંગણ ગામના વતની હાલ મોરબીના વાવડી રોડ ઉપર મીરા પાર્ક શેરી નં ૩ માં રહેતા કરણસીંહ રવુભા જાડેજા ઉવ.૬૩ કે જેઓની ગુણગાન ગામે વડીલો પાર્જીત ૩૦ વીઘા જમીન આવેલી છે જેમાં કરણસિંહ અને તેના બે ભાઈઓ સહિત ત્રણ ભાગની જમીન છે. કરણસિંહના ભાઈ મીઠુભાનું અવસાન થઈ ગયું છે તેથી તેના દીકરાને આ જમીનના ભાગ પાડવા વારંવાર સમજાવતા જે બાબતે તેને સારું નહિ લાગતા ગત તા. ૧૪/૦૬ ના રોજ કરણસિંહ અને તેમના દીકરા વાવડી રોડ ઉપર બહુચર પાનની દુકાને હોય ત્યારે આરોપી વિક્રમસિંહ મીઠુભા ત્યાં પોતાના ઍક્ટિવા મોપેડમાં આવી કરણસિંહના દીકરા સાથે જમીન બાબતે બોલાચાલી કરવા લાગ્યો હોય ત્યારે કરણસિંહ દ્વારા સમજાવતા બંને પિતા પુત્રને આરોપી વિક્રમસિંહ આડેધડ માર મારવા લાગેલ અને ઍક્ટિવામાંથી છરી કાઢી કરણસિંહને હોઠ ઉપર તથા માથામાં છરીથી છરકા જેવી ઇજા કરી હતી તથા તેના પુત્રને હાથમાં ઈજાઓ પહોંચાડતા દેકારો કરતા આજુબાજુથી લોકો એકઠા થતા આરોપી વિક્રમસિંહે કહેલ કે આજ તો બચી ગયા હવે પછી જમીનની વાત કરશો તો જાનથી મારી નાખીશ તેવી ધમકી આપી ત્યાંથી જતો રહ્યો હતો. ત્યારે સમગ્ર બનાવ અંગે કરણસિંહ દ્વારા ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપી વિક્રમસિંહ મીઠુભા જાડેજા રહે.નવલખી રોડ યમુનાનગર સોસાયટી મોરબી વિરૂદ્ધ આઈપીસી કલમ ૩૨૩, ૫૦૪, ૫૦૬(૨) તથા જીપી એક્ટ હેઠળ ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.