- CMના સલાહકાર હસમુખ અઢિયાની અધ્યક્ષતામાં બેઠક
- શિક્ષણ સચિવ અને અધિકારીઓ બેઠકમાં હાજર
- ખાલી જગ્યાઓ અંગેની વિગત મુદ્દે થશે ચર્ચા
TET- TATના ઉમેદવારોના આંદોલનની અસર જોવા મળી છે. જેમાં મુખ્યમંત્રીએ શિક્ષકોની ભરતીને લઇ બેઠક બોલાવી છે. તેમાં મુખ્યમંત્રીના સલાહકાર હસમુખ અઢિયાની અધ્યક્ષતામાં બેઠક યોજાઇ રહી છે. જેમાં શિક્ષણ સચિવ અને અધિકારીઓ બેઠકમાં હાજર છે. ત્યારે ખાલી જગ્યાઓ અંગેની વિગત મુદ્દે ચર્ચા થશે.
ઉમેદવારોના આંદોલનની અસર દેખાઈ છે
ઉમેદવારોના આંદોલનની અસર દેખાઈ છે. જેમાં મુખ્યમંત્રી દ્રારા શિક્ષકોની ભરતીને લઈ બેઠક બોલાવાઈ છે. મુખ્યમંત્રીના સલાહકાર હસમુખ અઢિયાની અધ્યક્ષતામાં બેઠક ચાલી રહી છે. જેમાં શિક્ષણ સચિવ અને અધિકારીઓ બેઠકમાં હાજર છે. કેટલી જગ્યાઓ ખાલી છે? કયારે કેટલી ભરતી થઈ તેની માહિતી સાથે અધિકારીઓ હાજર થયા છે. રાજ્યમાં છેલ્લા કેટલાક સમયથી રાજ્ય સરકાર દ્વારા કાયમી શિક્ષકોની ભરતી કરવાને બદલે કરાર આધારિત જ્ઞાનસહાયકોની ભરતી કરવામાં આવી રહી છે. જેને લઈને ઉમેદવારોના ભારે રોષ જોવા મળી રહ્યો છે. આ ઉમેદવારો હવે લડી લેવાના મૂડમાં છે. ત્યારે TET-TATના પાસ ઉમેદવારો ગાંધીનગર ખાતે આવેલા પથિકાશ્રમ પાસે એકઠા થયા હતા અને આંદોલન શરૂઆત કરી હતી. જેને પગલે પોલીસ એક્શન મોડમાં આવી ગઈ હતી અને ગઇકાલે ઉમેદવારોની ટિંગાટોળી કરી અટકાયતનો દૌર શરૂ કર્યો હતો.
ગાંધીનગરમાં ટેટ-ટાટ પાસ ઉમેદવારોના સમર્થનમાં કોંગ્રેસના ધારાસભ્ય આવ્યા
ગાંધીનગરમાં ટેટ-ટાટ પાસ ઉમેદવારોના સમર્થનમાં કોંગ્રેસના ધારાસભ્ય આવ્યા છે. આ મામલે તેમણે કહ્યું હતું કે, રાજ્ય સરકાર ખાલી પડેલા હોદ્દા પર તો ભરતી કરતી નથી. ટેટ-ટાટના ઉમેદવારો લાંબા સમયથી રજૂઆત કરી રહ્યા છે. 70 હજારથી વધુ શિક્ષકોની ઘટ છે. ત્યારે 90 હજાર ટેટ-ટાટ પાસ થયેલા ઉમેદવારોને કાયમી નોકરી આપો. ઉમેદવારો લાંબા સમયથી આંદોલન કરી રહ્યા છે. પરંતુ સરકાર તેની સાથે ચર્ચા કરવા માગતી નથી. જો સરકાર આ અંગે તાત્કાલિક નિર્ણય નહીં કરે તો આગામી દિવસોમાં અમદાવાદમાં એક રેલીનું આયોજન કરી વિરોધ કરીશું.
ટેટ-ટાટ પાસ ઉમેદવારોમાં ભારે રોષ છે
ઉલ્લેખનીય છે કે, ગુજરાતની સરકારી-ગ્રાન્ટેડ પ્રાથમિક સ્કૂલોથી માંડી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક સ્કૂલોમાં સરકારે જ્ઞાનસહાયકની યોજના અમલમાં મૂકી છે. ટેટ-ટાટ પાસ કર્યા બાદ પણ માત્ર 11 માસ માટે હંગામી નોકરી મેળવવાની હોવાથી ગત વર્ષે ભરતીમાં પ્રાથમિકથી માંડી માધ્યમિક-ઉચ્ચતર માધ્યમિકમાં હજારો ઉમેદવારો નિમણૂંક બાદ પણ હાજર થયા ન હતા. પરિણામે શિક્ષકોની જગ્યાસંખ્યામાં ખાલી પડી છે. આ વર્ષે પણ સરકાર કરાર આધારીત જ્ઞાનસહાયકોની ભરતી કરવા જઈ રહી છે અને તે માટેની પ્રક્રિયા પણ શરૂ કરી દેવાઈ છે. ત્યારે ટેટ-ટાટ પાસ ઉમેદવારોમાં ભારે રોષ છે.


