સ્ટે.ચેરમેને અધિકારીઓને શેહશરમ રાખ્યા વગર લોકસલામતી માટે પગલાં લેવા આદેશ કર્યો
રાજકોટ મહાનગરપાલિકા દ્વારા ચોમાસા પૂર્વે આગોતરા પગલાં લેવા માટે વહિવટી તંત્રને સજ્જ થવા તાકીદ કરવામાં આવી છે. સ્ટે.ચેરમેને તમામ અધિકારીઓને ચોમાસા પૂર્વે મોતના માંડવા જેવા શહેરમાં ચોમેર ઉભા થઇ ગયેલા હોર્ડિગ્સને ઉતરાવી લેવા ખાસ તાકીદ કરી છે. રાજકોટ મહાપાલિકા દ્વારા પ્રિમોન્સૂન કામગીરી એટલે કે ચોમાસામાં ભારે વરસાદથી શહેરના રસ્તા જળબંબાકાર થાય, પૂરની સ્થિતિ આવે કે અન્ય કોઈ ઘટના બને તે માટે આગોતરી અને નક્કર તૈયારી કરવા અને આ કામગીરીમાં કોઈ પણ રાજકારણીઓ, વગદારોની શેહશરમ નહીં રાખવા આજે સ્થાયી સમિતિ ચેરમેન જયમીન ઠાકરે મનપાના ત્રણેય નાયબ કમિશનરો, સિટી ઈજનેરો સહિત અધિકારીઓને ભારપૂર્વક સૂચના આપી હતી.
શહેરમાં એક તરફ રસ્તાના લેવલ અસ્તવ્યસ્ત થઈ ગયા છે ત્યારે સામાન્ય વરસાદથી જ પાણી ભરાવાની સમસ્યા સર્જાય તેમ છે. ઉપરાંત ભારે વરસાદની શક્યતા પણ રહેલી છે. ત્યારે રાહત-બચાવ કાર્ય માટે સજ્જ રહેવા સૂચના અપાઈ હતી. હાલ પણ રાજકોટમાં ૩૦-૪૦ કિ.મી.ની ઝડપે પવન ફૂંકાઈ રહ્યો છે ત્યારે વરસાદ સાથે ભારે પવનમાં ભયજનક મકાનો અને હોર્ડિંગ બોર્ડ ધૂસી પડવાની ભીતિ ધ્યાને લઈને તે તાત્કાલિક ઉતારી અને તેમાં કોઈની ભલામણ નહીં રાખવાની ટકોર કરવામાં આવી હતી.
રાજકોટમાં ૧૫૦ ફૂટ રીંગ રોડ, મહિલા કોલેજ, કિસાનપરા, જયુબેલી ચોક, માલવીયા ચોક તથા શહેરના તમામ મુખ્ય પ્રવેશદ્વારો પાસે મોતના માંડવા જેવા જબ્બર હોર્ડિગ્સ ઉતારી લેવા માટે તંત્રને ખાસ તાકીદ કરવામાં આવી છે. મુંબઇમાં હોર્ડિગ્સ પડવાથી કેટલાક લોકોના મૃત્યુ થયા હતા. સૌરાષ્ટ્રમાં અને રાજકોટમાં દર વર્ષે ચોમાસા પૂર્વે વાવાઝોડુ આવે છે. તેથી તકેદારીના પગલા રૂપે આવા હોર્ડિગ્સ ઉતારી લેવા આવશ્યક છે.


