- અમેરિકામાં સરાજાહેર ફાયરિંગની ઘટનાથી લોકોમાં ભયનો માહોલ
- એક બંદૂકધારી શખ્સે કરિયાણાની દુકાનમાં ફાયરિંગ કરતા નાસભાગ મચી
- પોલીસ સાથે અથડામણમાં બે અધિકારીઓ પણ ઈજાગ્રસ્ત થયા
જગત જમાદાર અમેરિકાના અર્કાન્સસ રાજ્યમાં એક બંદૂકધારી શખ્સે કરિયાણાની દુકાનમાં ઘુસી જઈને અંધાધૂંધ ગોળીબાર શરૂ કરી દીધો હતો. ફાયરિંગની આ ઘટનામાં ત્રણ લોકોનાં ઘટનાસ્થળે જ મોત થયા હતા. જ્યારે 10 લોકો ઈજાગ્રસ્ત થયા હતા. ગોળીબારને લીધે નાસભાગ મચી જવા પામી હતી. જો કે પોલીસને ઘટનાની જાણ થતા હુમલાખોરની સાથે અથડામણમાં બે અધિકારી પણ ઈજાગ્રસ્ત થયા હતા. ગોળીબારની આ ઘટના સવારે એક કરિયાણાની દુકાનમાં બની હતી.
અમેરિકાના ફોર્ડિસ લિટલ રોકથી 104 કિલોમીટર દક્ષિણમાં છે. સરકારી અધિકારીએ જણાવ્યું કે આ ખૂબ દુખદ ઘટના છે. જેને આપણને અંદરથી હલાવી દીધા હતા. ઘટનામાં બે પોલીસ અધિકારી અને હુમલાખોરની સ્થિતિ સારી છે. જ્યારે કેટલાક ઈજાગ્રસ્તોની સ્થિતિ ગંભીર છે. પોલીસે હાલ ઈજાગ્રસ્તોની ઓળખ જાહેર નથી કરી.
ધોળા દહાડે ગોળીબારથી લોકોમાં ભય
અમેરિકામાં દુકાનની અંદર ધોળા દિવસે થયેલી ગોળીબારની ઘટનાથી લોકો ભીતિમાં આવી ગયા છે. ઘટના પછી પોલીસ સમગ્ર મામલાની તપાસ કરી રહી છે. એ સરકારી અધિકારીએ જણાવ્યું કે જ્યારે રૅસ્ટોરન્ટના કર્મચારીઓએ ફાયરિંગની ઘટના વિશે જણાવ્યું તો તેની જાણકારી પોલીસને આપી. જ્યારે તેઓ ઘટનાસ્થળે પહોંચ્યા તો જોયું કે લોકો જીવ બચાવવા માટે નાસભાગ કરી રહ્યા છે. લોકો બચવા માટે કારમાં સંતાઈ રહ્યા છે.


