- ચીન અને ફ્રાન્સે મળીને એક ઉપગ્રહ લોન્ચ કર્યો
- 22 જૂન શનિવારે ઉપગ્રહ કર્યો લોન્ચ
- રોકેટનો કેટલોક ભાગ પૃથ્વી પર પડ્યો હોવાનો વીડિયો વાયરલ
હાલમાં જ ચીન અને ફ્રાન્સે મળીને એક ઉપગ્રહ લોન્ચ કર્યો હતો. લોંગ માર્ચ 2-સી રોકેટ દ્વારા ઉપગ્રહ લોન્ચ કરવામાં આવ્યો હતો. જે બાદ રોકેટનો એક ભાગ પૃથ્વી પર આવીને પડ્યો અને બ્લાસ્ટ થયો. જે બાદ વિસ્તારમાં અફરાતફરી મચી હતી.
રોકેટનો એક ભાગ પડ્યો પૃથ્વી પર?
સ્પેસક્રાફ્ટની સાથે સ્પેસ વેરિયેબલ ઓબ્જેક્ટ્સ મોનિટર (SVOM) નામના ઉપગ્રહ શનિવારે 22 જૂન ચીનના સમયાનુસાર 3 વાગે શિચાંગ સેટેલાઇટ લોન્ચ સેન્ટરથી ઉડાન ભરી હતી. ઉડાન ભર્યા બાદ થોડા સમયમાં જ બૂસ્ટર પૃથ્વી પર રહેણાંક વિસ્તારમાં આવીને પડ્યુ. આ બૂસ્ટર રોકેટનો જ એક ભાગ હોય છે.
વીડિયો થયો વાયરલ
આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં જોઈ શકાય છે કે કેવી રીતે રોકેટનો ભાગ ધરતી પર પડે છે. ઘટનાને પગલે અફરાતફરી મચી ગઇ હતી. લોકો અહીં-તહીં ભાગવા લાગ્યા હતા. લોંગ માર્ચ 2C નાઇટ્રોજન ટેટ્રોક્સાઇડ અને અન સિમિટ્રિકલ ડી મિથાઇલ હાઇડ્રોજન (UDMH) ના હાઇપરગોલિક મિશ્રણનો ઉપયોગ કરે છે, આ મિશ્રણ માનવ શરીર માટે ઝેરી છે. રોકેટનો ભાગ પડવાથી લોકો આ ઝેરી પદાર્થને લઇને ચિંતા વ્યક્ત કરી રહ્યા છે. જે શ્વાસ દ્વારા શરીરમાં પ્રવેશી શકે છે અને ઘણું નુકસાન કરી શકે છે.
ઉપગ્રહ સફળતાપૂર્વક ભ્રમણકક્ષા સુધી પહોંચ્યો
આ ઘટના બાદ ચીનના અધિકારીઓએ આ મિશન સફળતાની જાહેરાત કરી છે અને કહ્યું છે કે સેટેલાઇટ સફળતાપૂર્વક તેની ભ્રમણકક્ષામાં પહોંચી ગયું છે. તેમણે વધુમાં કહ્યું કે આ ઉપગ્રહ તારાઓના સૌથી દૂરના વિસ્ફોટોનો અભ્યાસ કરવા માટેનો અત્યાર સુધીનો સૌથી શક્તિશાળી ઉપગ્રહ છે. ચીનના નેશનલ સ્પેસ એડમિનિસ્ટ્રેશનના જણાવ્યા અનુસાર, સેટેલાઇટનું મિશન ગામા-રે વિસ્ફોટ સહિતની ખગોળીય ઘટનાઓનો અભ્યાસ કરવાનો છે, માહિતી અનુસાર, ભવિષ્યમાં તે અન્ય ખગોળીય ઘટનાઓનો અભ્યાસ કરવામાં અને નવી શોધ કરવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે. ચીન અને ફ્રાન્સે પહેલીવાર સંયુક્ત રીતે આ ઉપગ્રહ વિકસાવ્યો છે.


