- રેલવે ઓવરબ્રિજ બનતા રાહદારી અને યાત્રિકોને મોટી સમસ્યા
- 150 પગથિયાની સીડી ચઢવામાં વિદ્યાર્થીઓ,વૃદ્ધોને મોટી હાલાકી
- વરસાદી વાતાવરણમાં પગ લપસી જવાનો ભય
સુરતના ઓલપાડ વિસ્તારમાં કીમ ફાટક પર સર્જાતા ટ્રાફિક જામને લઈને તંત્ર દ્વારા કીમ રેલવે ઓવરબ્રિજનું નિર્માણ કર્યું છે. રેલવે ઓવરબ્રિજ બની જતા લોકોને ટ્રાફિકની સમસ્યામાંથી છુટકારો મળ્યો છે. પરંતુ રાહદારી અને યાત્રિકોની સમસ્યામાં વધારો થયો હોય તેવુ લાગી રહ્યું છે. કારણ કે તંત્ર દ્વારા રેલવે ઓવરબ્રિજ બ્રિજ ક્રોસ કરવા અને રેલવે સ્ટેશન પર પહોંચવા મૂકવામાં આવેલી 150 પગથિયાની સીડી ચઢવામાં વિદ્યાર્થીઓ,વૃદ્ધોને મોટી હાલાકી પડી રહી છે.
સીડી ચઢવાને બદલે લોકો રેલવેની દીવાલ કૂદી રહ્યા છે
ત્યારે ચોમાસામાં વરસાદી વાતાવરણમાં પગ લપસી જવાનો ભય પણ સતાવી રહ્યો છે. ત્યારે લોકોને પડતી હાલાકીનું સમાધાન થાય તે માટે સુરત જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ મનહર પટેલની આગેવાનીમાં આજરોજ કોંગ્રેસના કાર્યકરો કીમ રેલવે સ્ટેશન ખાતે પહોંચ્યા હતા અને કીમ રેલવે સ્ટેશન સુપ્રિટેન્ડેન્ટને આવેદન પત્ર આપી રજૂઆત કરી હતી. 150 પગથિયાની સીડી ચઢવાની લોકોને પડતી હાલાકીને પગલે ઘણા લોકો સીડી ચઢવાને બદલે પોતાનો જીવ જોખમમાં મૂકીને રેલવેની દીવાલ કૂદી રહ્યા છે. ત્યારે મોટી દુર્ઘટના સર્જાય એ પહેલાં તંત્ર આ સમસ્યામાંથી લોકોને છુટકારો અપાવે એવી લોક માગ ઉઠી છે.


