બંધમાં જોડાનાર તમામ વેપારી અને વેપારી એસોસિયેશનનો, સ્કૂલ સંચાલકોનો શહેર કોંગ્રેસે આભાર વ્યક્ત કર્યો
ભ્રષ્ટ નેતા અને ભ્રષ્ટ અધિકારીઓ સામે નો લોકરોષ ભભૂક્યો
રાજકોટ શહેર કોંગ્રેસ દ્વારા તારીખ 25 મે 2024 ના રાજકોટમાં TRP ગેમ ઝોનમાં લાગેલી વિકરાળ આગમાં અનેક માનવ જિંદગી હોમાઈ જતા રાજકોટ મહાનગરપાલિકા, આર એન્ડ બી, રાજકોટ શહેર પોલીસ તંત્રની ગુનાહિત બેદરકારીઓ સામે આવી હતી અને રાજ્ય સરકારે આ મામલે SIT નું ગઠન કરી ત્રણ ત્રણ કમિટી રચવા છતાં કોઈ નેતા કે જવાબદાર IAS કે IPS ની ધરપકડો ન કરતા કે સસ્પેન્ડ પણ નહીં કરતા આ તપાસ એ શાસક પક્ષના આદેશથી સત્તાધીશોની સિધી દોરવણી હેઠળ ચાલી રહી છે. તેવું ફલિત થતાં પીડિત પરિવારો અને રાજકોટ શહેરમાં લોકરોષ ભભૂક્યો હતો.
ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ, રાજકોટ શહેર કોંગ્રેસ સમિતિ ખભે ખભા મિલાવી પીડિત પરિવારોની વહારે આવી. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ શક્તિસિહ ગોહિલે પીડિત પરિવારોની મુલાકાત લઇ કોંગ્રેસ હરહંમેશ રાજકોટની જનતા અને પીડિત પરિવારો ને ન્યાય માટે કટિબદ્ધ છે તેવું જણાવ્યું હતું એટલું જ નહીં અખિલ ભારતીય કોંગ્રેસ સમિતિ અને ખુદ રાહુલ ગાંધીએ પણ આ અંગે પોતે સંસદમાં મુદ્દો ઉઠાવવા બાબતે પીડિત પરિવારો સાથે ગુજરાત કોંગ્રેસના નેતાઓ સાથે ચર્ચા કરી હતી. રાજકોટમાં ત્રણ દિવસ શહેરના ઐતિહાસિક ત્રિકોણ બાગ ખાતે ઉપવાસ આંદોલન ના કાર્યક્રમો કરાયા બાદ રાજ્ય સરકાર કે પોલીસ તંત્ર દ્વારા આ મુદ્દે કોઈપણ જાતનો હકારાત્મક કે નકારાત્મક પ્રત્યુતર ન મળતા સમગ્ર રાજકોટની જનતા અને પીડિત પરિવારનો રોષ જોઈ રાજકોટ માં બંધનું એલાન આપવામાં આવેલ હતું અને આ બંધના એલાન માં રાજકોટના ચેમ્બર ઓફ કોમર્સ, દાણાપીઠ એસોસિયેશન, લાખાજીરાજ રોડ એસોસિએશન, જંકશન રોડ વેપારી એસોસિએશન, ગોલ્ડ ડીલર્સ એસોસિએશન, પરાબજાર એસોસિએશન, ચુનારાવાડ ચોક એસોસિએશન, કબાડી બજાર એસોસિએશન, ઢેબર રોડ ફર્નિચર એસોસિયેશન, સહિતના રાજકોટના તમામ વેપારી એસોસિયેશને ખુલો ટેકો જાહેર કર્યો હતો અને શહેરમાં શાસકોનો ઈશારે પોલીસ દ્વારા રાજકીય હાથો બની બંધના એલાનમાં હવનમાં હાડકા નાખવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ રાજકોટવાસીઓનો લોકરોષ અને આક્રોશને પગલે રાજકોટના ખૂણે ખૂણામાં મુખ્ય રસ્તાઓ સહિતની દુકાનો આજે બપોર સુધી સજ્જડ અને સ્વયંભુ બંધ રાખવામાં આવી હતી.
ધર્મેન્દ્ર રોડ, લાખાજીરાજ રોડ, પરા બજાર, દાણાપીઠ, કોઠારીયા રોડ, સોરઠીયાવાડી, ચુનારાવાડ ચોક, ભક્તિનગર સર્કલ, ગુંદાવાડી, સોરઠીયાવાડી, જંકશન, ગાયકવાડી, રૈયા રોડ, બજરંગવાડી, કૃષ્ણનગર મેઇન રોડ, ઢેબર રોડ, લોધાવડ ચોક, ગોંડલ રોડ, ગાયત્રીનગર રોડ સહિતના રાજકોટના મુખ્ય રસ્તાઓ માં વેપારીઓમાં ભ્રષ્ટ અધિકારીઓ અને ભ્રષ્ટ તંત્ર સામે નો લોકરોષ સામે આવ્યો હતો અને ભ્રષ્ટાચારી શાસકો સામે પ્રથમ વખત વેપારીઓ હિંમત દાખવી સ્વયંભૂ અને સજ્જડ બંધ રાખેલ છે. આ તમામ વેપારીઓ, બંધમાં જોડાનાર તમામ સ્કૂલ સંચાલકો શાળાના ટ્રસ્ટીઓનો પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ શકિતસિંહ ગોહિલ તેમજ રાજકોટ શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.


