- રશિયા-યુક્રેન વચ્ચે યુદ્ધ વચ્ચે ભીષણ યુદ્ધ વચ્ચે પ્રવાસી ટ્રેનને નડયો અકસ્માત
- પ્રવાસી ટ્રેનના નવ કોચ પાટા પરથી ખડી જતા 70 લોકો ઘાયલ
- ટ્રેન અકસ્માત થતા રૂટ પરથી આવતી-જતી ટ્રેનના રૂટ બદલવામાં આવ્યા
રશિયા અને યુક્રેન વચ્ચે છેલ્લા ઘણા સમયથી ભીષણ યુદ્ધ યથાવત્ છે. આ દરમિયાન રશિયાના કોમીમાં એક ભીષણ રેલવે દુર્ઘટના સામે આવી છે. અહીં એક પ્રવાસી ટ્રેનના નવ કોચ રેલવે ટ્રેકથી ઉતરી ગયા હતા. આ અકસ્માતમાં 70થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા હતા. ઈજાગ્રસ્તોમાં સાતની સ્થિતિ ગંભીર કહેવામાં આવી છે. હાલ તો દુર્ઘટનામાં કોઈના મોતના સમાચાર સામે આવ્યા નથી. આ પ્રવાસી ટ્રેન ઉત્તર-પૂર્વ કોમીમાં વોરકુટાથી નોવોરોસ્કિએક્સના બ્લેક-સી બંદરે જઈ રહી હતી. બંને જગ્યાનું અંતર પાંચ હજાર કિલોમીટર છે.
રેલ વ્યવહારને અસર
દુર્ઘટનામાં સામેલ ટ્રેનનું નામ ટ્રેન 511 છે. રેલવે અધિકારીઓના જણાવ્યા અનુસાર, ગુરુવારે સાંજે લગભગ 6:12 વાગ્યે (સ્થાનિક સમય) ઈન્ટા શહેર નજીક આ અકસ્માત થયો હતો. રશિયન રેલવે વિભાગે ટેલિગ્રામ પર જણાવ્યું હતું કે ઈમરજન્સી સેવાઓને ઘટનાસ્થળે રવાના કરવામાં આવી છે. મુસાફરોની મદદ માટે પગલાં લેવામાં આવી રહ્યા છે. પીડિતો વિશે માહિતી એકઠી કરવામાં આવી રહી છે. આ રૂટ પર રેલ વ્યવહાર સ્થગિત કરી દેવામાં આવ્યો છે.
ટ્રેનમાં 232 મુસાફરો સવાર હતા
ટ્રેનમાં કુલ 14 કોચ હતા જેમાં 232 મુસાફરો સવાર હતા. રશિયન રેલવે અનુસાર, પાટા પરથી ઉતરવાનું કારણ તાજેતરનો ભારે વરસાદ હોઈ શકે છે. રેલવેએ પાટા પરથી ઉતરી જવાની ઘટનાની તપાસ માટે ટાસ્ક ફોર્સની પણ રચના કરી છે. ઘટનાસ્થળે 2 રિકવરી ટ્રેનો મોકલવામાં આવી છે.


