- ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ બરાક ઓબામાએ જો બાઇડનને આપ્યું સમર્થન
- બન્ને નેતાઓ વચ્ચે યોજાયેલી ડિબેટમાં ડોનાલ્ડ ટ્રમ્પનું પ્રદર્શન સારું
- આ ડિબેટમાં વિવિધ મુદ્દાઓ પર કરાઈ ચર્ચા
અમેરિકામાં રાષ્ટ્રપતિ પદ માટેની પ્રથમ ટેલિવિઝન ડિબેટ જોનારા મોટાભાગના લોકોની નજરમાં વર્તમાન રાષ્ટ્રપતિ જો બાઇડન કરતાં ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પનું પ્રદર્શન સારું રહ્યું છે. અમેરિકાના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ બરાક ઓબામાએ સ્વીકાર્યું કે ડિબેટમાં ડોનાલ્ડ ટ્રમ્પ સામે અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઇડનનું પ્રદર્શન ‘નબળું’ હતું. જો કે, તેણે બાઇડનને પોતાનું સમર્થન આપ્યું. ઓબામાએ એક્સ પર કહ્યું, ‘ખરાબ ચર્ચાની રાતો હોય છે. મારા પર વિશ્વાસ કરો, હું જાણું છું.’
ઓબામાએ બાઇડનને આપ્યું સમર્થન
અમેરિકાના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ઓબામાએ લખ્યું કે, ‘પરંતુ આ ચૂંટણી એક એવા વ્યક્તિને ચૂંટવાની તક છે, જેણે આખી જીંદગી સામાન્ય લોકો માટે લડી છે અને બીજી બાજુ એવી વ્યક્તિ છે જે ફક્ત પોતાના વિશે જ વિચારે છે. એક વ્યક્તિ છે જે સત્ય બોલે છે, જે સાચું અને ખોટું જાણે છે અને બીજી વ્યક્તિ પોતાના ફાયદા માટે ખોટું બોલે છે. છેલ્લી રાત્રે (રાષ્ટ્રુપતિ ડિબેટ)ના કારણે કાંઈ બદલાયું નથી, અને તેના જ કારણે નવેમ્બરમાં ઘણું બધું દાવ પર લાગેલું છે.
મોટાભાગના લોકોએ ટ્રમ્પને વિજેતા માન્યા
AP અનુસાર અમેરિકામાં રાષ્ટ્રપતિ પદ માટે પ્રથમ ટેલિવિઝન ડિબેટ જોનારા મોટાભાગના લોકોની નજરમાં વર્તમાન રાષ્ટ્રપતિ જો બાઇડન કરતા ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પનું પ્રદર્શન વધુ સારું રહ્યું છે. આ વર્ષ 2020ની પરિસ્થિતિથી સંપૂર્ણ વિપરીત છે, જ્યારે ડિબેટ જોવા વાળાઓએ ડેમોક્રેટ (બાઇડન)ને તેમના રિપબ્લિકન હરીફ ટ્રમ્પ કરતાં વધુ સારા ઉમેદવાર તરીકે જોયા હતા.
બાઇડનની ફિટનેસ અને ઉંમર મોટો મુદ્દો
વ્હાઇટ હાઉસમાં બીજા કાર્યકાલ મેળવવા માટે ઈચ્છુક 81 વર્ષીય બાઇડન ડિબેટ દરમિયાન લથડતા જોવા મળ્યા હતા. આ જોઈને ડેમોક્રેટના મોટા નેતાઓમાં આ વાતને લઈ ખતરાની ઘંટડી વાગી છે કે, શું વર્તમાન રાષ્ટ્રપતિ ચૂંટણી પહેલાના મુશ્કેલીથી ભરેલા મહિનાઓમાં ટોચ પર રહી શકે છે. તમને જણાવી દઈએ કે 78 વર્ષના ટ્રમ્પ ઉંમરના મામલામાં બાઇડનથી બહુ પાછળ નથી, પરંતુ આ ચૂંટણીમાં બાઇડનની ફિટનેસ અને ઉંમર મોટો મુદ્દો બની ગયો છે.
ટ્રમ્પ અને બાઇડન વચ્ચે 90 મિનિટ સુધી ચાલી ડિબેટ
5 નવેમ્બરે યોજાનારી ચૂંટણીને લઈને ગુરુવારે બન્ને નેતાઓ વચ્ચે લગભગ 90 મિનિટ સુધી આક્રમક ડિબેટ થઈ હતી. આ દરમિયાન અર્થવ્યવસ્થા, ઈમિગ્રેશન, વિદેશ નીતિ, ગર્ભપાત અને રાષ્ટ્રીય સુરક્ષાને લઈ બાઇડન અને ટ્રમ્પની વચ્ચે ટક્કર જોવા મળી હતી. આ ડિબેટ ત્યારે થઈ જ્યારે બાઇડન અને ટ્રમ્પને તેમની પાર્ટીઓ દ્વારા રાષ્ટ્રપતિ પદ માટે સત્તાવાર ઉમેદવાર જાહેર કરવામાં આવ્યા નથી. રિપબ્લિકન પાર્ટી તેમના રાષ્ટ્રપતિ પદના ઉમેદવારને પસંદ કરવા માટે 15થી 18 જુલાઈ સુધી દરમિયાન વિસ્કોન્સિનના મિલવૌકી સંમેલન બોલાવશે, જ્યારે ડેમોક્રેટ પાર્ટી 19 ઓગસ્ટે શિકાગોમાં સંમેલનનું આયોજન કરશે.


