- ભારે વરસાદ થતા જૂનાગઢ જિલ્લામાં શાળાઓમાં રજા જાહેર
- માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શાળાઓમાં આવતીકાલે રજા
- શાળાના તમામ સ્ટાફને હેડ ક્વાર્ટર પર હાજર રહેવા સૂચના
અવિરત વરસાદને પગલે જિલ્લાના મોટાભાગના ડેમોમાં નવા નીરની આવકથી અનેક ડેમો ઓવરફ્લો થયા છે. જ્યારે ઓજત નદીમાં ભારે પાણી આવતા નદી બે કાંઠે વહી રહી છે. તેવામાં જૂનાગઢ જિલ્લામાં માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શાળાઓમાં આવતીકાલે રજા જાહેર કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
ભારે વરસાદ થતા જૂનાગઢ જિલ્લામાં શાળાઓમાં રજા જાહેર
જુનાગઢ જિલ્લાના શહેરી તેમજ તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં 5 ઇંચ જેટલો ધોધમાર વરસાદ ખાબક્યો છે. જેને પગલે જિલ્લાભરમાં જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાય છે. સમગ્ર જિલ્લામાં સતત વરસી રહેલા વરસાદથી ઓજત નદીના પાણી મોટાભાગના ગામોમાં ઘૂસી જવા પામ્યા છે અને અનેક વિસ્તારોમાં પૂર જેવી સ્થિતિ સર્જાય છે. તેવામાં ભારે વરસાદથી તંત્ર દ્વારા નિર્ણય લેવાયો છે. જેમાં જૂનાગઢ જિલ્લામાં માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શાળાઓમાં આવતીકાલે રજા જાહેર કરવામાં આવી છે. આ સાથે શાળાના તમામ સ્ટાફને હેડ ક્વાર્ટર પર હાજર રહેવા સૂચના આપવામાં આવી છે.
ધોધમાર વરસાદ થતા અનેક ગામો સંપર્ક વિહોણા
જુનાગઢ પંથકના મોટાભાગના વિસ્તારોમાં પૂર જેવી સ્થિતિ સર્જાતા અનેક ગામો સંપર્ક વિહોણા થયા છે, તો બીજી બાજુ કેશોદ તાલુકાના બામણાસા ઘેડ ગામે પ્રથમ વરસાદ વરસાની સાથે ઓજત નદીમાં ભારે પાણી આવક થઈ હતી, જેને પગલે નદીને કાંઠે બાંધેલો પાળ તૂટી જતા ખેતરોમાં પાણી ઘૂસી જતા ખેતરોમાં ભારે ધોવાણ સર્જાતા ખેડૂતોએ વાવણી કરેલ પાકોમાં મોટા પ્રમાણમાં નુકસાન થાય તેવી શક્યતાઓ સેવાઈ રહી છે. જિલ્લામાં મૂસળધાર વરસાદને પગલે અનેક ગામોમાં બેટમાં ફેરવાયા છે અને ત્યારે અવિરત વરસાદ શરૂ હોવાના કારણે ખેડૂતોમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે.
ગિરનાર પર્વત પર 8 થી 10 ઈચ વરસાદ
જુનાગઢના ભવનાથ વિસ્તારમાં ધોધમાર વરસાદ થતા નગરજનો ભવનાથમાં પ્રકૃતિની મજા માણતા જોવા મળ્યા હતા. ગિરનાર પર્વત પર 8 થી 10 ઈચ વરસાદ ખાબક્યો હતો. અનિચ્છનીય ઘટના ન બને તે માટે પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. લોકોને જળાશયો નજીક ન જવા સૂચનાઓ પણ આપવામાં આવી છે.


