- હમાસ અને ઈઝરાયલ વચ્ચે છેલ્લા નવ મહિનાથી યુદ્ધની સ્થિતિ
- ઈઝરાયલના હુમલા બાદ ગાઝા, રફાહ સિટી સાવ ખંડેર સ્થિતિમાં
- બંધકોને નહિ છોડવા હમાસ જૂથ મક્કમ
મિડલ ઈસ્ટમાં હમાસ અને ઈઝરાયલ વચ્ચે છેલ્લા નવ મહિનાથી ભીષણ યુદ્ધ યથાવત્ છે. ત્યારે યમનના હૂતી બળવાખોરોએ ફરી ઈઝરાયલના હાઈફામાં મહત્ત્વના સ્થળો પર હુમલા શરૂ કર્યા છે. હૂતી બળવાખોરો તરફથી અપાયેલા નિવેદનમાં ઈરાકની સાથે મળીને સંયુક્ત સૈન્ય અભિયાન હેઠળ હાઈફામાં સફળ હુમલો કર્યો છે. હૂતી સૈન્ય પ્રવક્તાએ આપેલા નિવેદનમાં કહ્યું કે લક્ષ્ય વહરની ઘણી મિસાઈલો છોડી છે.
ગત વર્ષના નવેમ્બરથી હૂતીઓના હુમલા વધ્યા
રાતા સમુદ્રમાં કાળો કેર વર્તાવનાર હૂતી બળવાખોરો ગત વર્ષના નવેમ્બરથી શિપિંગ લેનમાં ડ્રોન અને મિસાઈલથી હુમલા કરી રહ્યા છે. હૂતીઓનું કહેવું છે કે, તેઓ ગાઝામાં મજબૂત રીતે પેલેસ્ટાઈનની સાથે ખભે-ખભા રાખીને ટેકામાં છીએ. ઈરાન ટેકેદાર હૂતીઓએ પ્રથમવાર નવેમ્બરમાં શિપિંગ લેનમાં ડ્રોન અને મિસાઈલ ઝીંકી હતી. આ ડઝનબંધ હુમલાને લીધે બે જહાજ દરિયામાં ગરકાવ થઈ ગયા હતા. એક જહાજ પર હૂતી બળવાખોરોએ કબ્જો જમાવી દીધો હતો. જ્યારે તેના ત્રણેય નાવિકોની કરપીણ હત્યા કરી દીધી હતી.
રાતા સમુદ્રમાં તણાવમાં સતત વધારો
ઈઝરાયલ અને હમાસ વચ્ચે શરૂ થયેલા ભીષણ યુદ્ધ પછી પેલેસ્ટાઈન સમર્થક હૂતી બળવાખોરોએ રાતા સમુદ્રમાં ઈઝરાયલી કોમર્શિયલ જહાજોને ટાર્ગેટ બનાવી રહ્યું છે. જો કે પછી તેઓએ રાતા સમુદ્રથી પસાર થતા બીજા દેશોના જહાજોને પણ નિશાન બનાવવાનું શરૂ કર્યું છે. જેનાથી આંતરરાષ્ટ્રીય શિપિંગ રૂટને ખૂબ ખરાબ અસર થઈ છે. જો કે હવે અમેરિકા અને બ્રિટનના ગઠબંધન ધરાવતી સૈન્યએ હૂતીઓના ઠેકાણા પર હમલા કરી રહ્યા છે.


