- એક્ઝિટ પોલ પ્રમાણે યુકેના વડાપ્રધાન ઋષિ સુનકની હાર નક્કી
- યુકેની લેબર પાર્ટીને ભારી જીતનું અનુમાન લગાવાયું છે
- બ્રિટનની ચૂંટણી પહેલાના એક્ઝિટ પોલને લઈ રાજકારણ ગરમાયું
બ્રિટનમાં જનરલ ચૂંટણી પૂર્ણ થઈ ગઈ છે. અને જલ્દી જ ચૂંટણીના પરિણામ સામે આવી જશે. જો કે પરિણામ પહેલા આવેલા એક્ઝિટ પોલને લીધે સ્પષ્ટ છે કે દેશની સત્તા કંઝર્વેટિવ પાર્ટી અને ઋષિ સુનકની વિદાય નક્કી જ છે. એક મોટા એક્ઝિટ પોલનું માનીએ તો લેફ્ટ લેબર પાર્ટી યુકે ચૂંટણીમાં ભારે બહુમતથી જીત મેળવવા જઈ રહી છે. જો ચૂંટણી પરિણામ આવું જ રહ્યું તો યુકેમાં 14 વર્ષ બાદ સત્તામાં લેબર પાર્ટીનું પુનરાગમન થશે.
એક્ઝિટ પોલનું અનુમાન શું છે?
યુકેની ચૂંટણીઓ માટે ત્રણથી ચાર સંસ્થાઓ માટે Ipsos દ્વારા એક્ઝિટ પોલના ડેટા જાહેર કરવામાં આવ્યા છે. જેમાં લેબર પાર્ટીની જંગી જીતની આગાહી કરવામાં આવી છે. લેબર પાર્ટી 410 સીટો જીતશે. કન્ઝર્વેટિવ પાર્ટીને માત્ર 131 સીટો મળશે. લિબરલ ડેમોક્રેટ્સને 61 બેઠકો, રિફોર્મ યુકેને 13 બેઠકો અને ગ્રીન પાર્ટીને 2 બેઠકો મળવાની ધારણા છે.
સ્ટારર નવા વડાપ્રધાન બની શકે છે
લેબર પાર્ટી તરફથી લેબર લીડર કીર સ્ટારમરને યુકેના નવા વડાપ્રધાન બનાવવામાં આવી શકે છે. સ્ટારમર ભૂતપૂર્વ વકીલ છે જેણે 2015 માં સંસદમાં પ્રવેશ કર્યો હતો અને 2020 માં લેબર નેતૃત્વ સંભાળ્યું હતું. તેમના નેતૃત્વમાં જ લેબર પાર્ટી સત્તા મેળવવાની ખૂબ નજીક છે.
બહુમતીનો આંકડો શું છે?
યુકેમાં, 4 જુલાઈએ, સંસદની 650 બેઠકો એટલે કે હાઉસ ઓફ કોમન્સ માટે મતદાન થયું હતું. તેના પરિણામો આજે જાહેર થઈ શકે છે. તમને જણાવી દઈએ કે સંસદમાં બહુમતનો આંકડો 326 સીટો છે. જે પણ પક્ષ કે ગઠબંધન આ આંકડાને પાર કરશે તે સરકાર બનાવશે. હાલમાં એકલા લેબર પાર્ટીને બહુમતી કરતા વધુ બેઠકો સરળતાથી મળી જશે તેવો અંદાજ છે.


