- સૌથી વધુ રાજકોટના લોધિકામાં ચાર ઈંચ વરસાદ
- બનાસકાંઠાના ભાભરમાં સાડા ત્રણ ઈંચ વરસાદ
- 103 તાલુકામાં સામાન્યથી એક ઈંચ સુધી વરસાદ
રાજ્યમાં આજે સાંજે 6 વાગ્યા સુધી કુલ 121 તાલુકામાં વરસાદ વરસ્યો છે. જેમાં રાજકોટના લોધિકામાં 4 ઈંચ વરસાદ,બનાસકાંઠાના ભાભરમાં 3.5 ઈંચ, રાજકોટના ધોરાજીમાં 3.5 ઈંચ, ખેડાના મહેમદાબાદમાં 3 ઈંચ વરસાદ વરસ્યો છે, જ્યારે 6 તાલુકામાં 2 ઈંચ કરતા વધુ, 18 તાલુકામાં 1 ઈંચ કરતા વધુ અને 103 તાલુકામાં સામાન્યથી એક ઈંચ સુધીનો વરસાદ નોંધાયો છે.
દેવભૂમિદ્વારકાના કલ્યાણપુરના રાવલ ગામે ધોધમાર વરસાદ
દેવભૂમિદ્વારકાના કલ્યાણપુર તાલુકાના રાવલ ગામે ધોધમાર વરસાદ વરસ્યો છે અને ગામના અનેક રસ્તા પર વરસાદી પાણી ફરી વળ્યા છે. વરસાદના કારણે રાવલ ગામના બસ સ્ટેન્ડ સહિતના વિસ્તારમાંથી પાણીના પુર વહેતા હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા હતા. રાવલ ગામમાં મેઘરાજાની તોફાની બેટિંગથી ગામના તમામ રસ્તાઓ પાણી પાણી થયા છે. રાવલ ગામે વરસાદ રૂપી કાચું સોનું વરસતાં ખેડૂતો ખુશખુશાલ થયા છે.
17થી 24 જુલાઈ ગુજરાતમાં સારો વરસાદ
ભાવનગર અને બોટાદમાં ભારે વરસાદની શક્યતા સાથે જંબુસર, રાજપીપલામાં ગાજવીજ સાથે વરસાદ આવી શકે છે. તેમજ વડોદરા, પાદરામાં ગાજવીજ સાથે વરસાદની શક્યતા છે. તથા અમદાવાદ, ગાંધીનગરમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા સાથે પંચમહાલ, દાહોદ, અરવલ્લીમાં વરસાદની શક્યતા છે. તેમજ સાબરકાંઠા, બનાસકાંઠા, મહેસાણામાં વરસાદ આવી શકે છે. તથા 17થી 24 જુલાઈ ગુજરાતમાં સારો વરસાદ થશે. તેમજ અમદાવાદ, ગાંધીનગરમાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
સુરત, નવસારી અને વલસાડમાં પણ વરસાદ વરસી શકે
સુરત, નવસારી અને વલસાડમાં પણ વરસાદ વરસી શકે છે. સંઘ પ્રદેશ દમણ અને દાદરાનગર હવેલીમાં પણ ભારે વરસાદની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગના આંકડા પ્રમાણે રાજ્યમાં સીઝનનો અત્યાર સુધીમાં કુલ સરેરાશ 23.40 ટકા વરસાદ વરસ્યો છે. જેમાં સૌરાષ્ટ્ર ઝોનમાં સીઝનનો અત્યાર સુધીમાં 30.57 ટકા, કચ્છ ઝોનમાં 26.87 ટકા, દ.ગુજરાત ઝોનમાં 27.08 ટકા અને મ.ગુજરાત ઝોનમાં 15.15 ટકા વરસાદ તથા ઉત્તર ગુજરાતમાં સીઝનનો અત્યાર સુધીમાં 16.32 ટકા વરસાદ નોંધાયો છે.


