- સગીરા સાથે દુષ્કર્મના કેસમાં આરોપીઓને સજા
- ગુજરાત પોલીસને હર્ષ સંઘવીએ અભિનંદન પાઠવ્યા
- છ આરોપીઓને 20 – 20 વર્ષની સજા થઇઃ સંઘવી
રાજ્યમાં રેપના અલગ અલગ કેસોમાં સજા આપવા પર ગૃહ રાજ્યપ્રધાન હર્ષ સંઘવીએ નિવેદન આપ્યું છે અને કહ્યું કે છેલ્લા આઠ દિવસમાં કોર્ટ તરફથી કુલ પાંચ ગુનાઓમાં સજા અપાઈ છે અને છ આરોપીઓને 20-20 વર્ષની સજા ફટકારવામાં આવી છે અને પાંચ પરિવારોને ન્યાય મળ્યા છે.
તમામ ગુનેગારો જેલમાં બંધ: હર્ષ સંઘવી
ગૃહપ્રધાને વધુમાં જણાવ્યું કે સગીરા સાથે દુષ્કર્મના કેસમાં આરોપીઓને કડક સજા આપવામાં આવી છે. હાલમાં એ તમામ ગુનેગારો જેલમાં બંધ છે. આ પ્રકારના કેસોમાં પોલીસ ઝડપી ચાર્જશીટ કરે તેવી પણ ટકોર હર્ષ સંઘવીએ કરી હતી. રેપ કેસના એક કેસમાં પરિવારને આઠમાં મહિને જ ન્યાય મળ્યો છે અન અન્ય જુના કેસોમાં પણ સરકારની કામગીરી ચાલુ જ છે. આ સાથે જ હર્ષ સંઘવીએ ગુજરાત પોલીસને પણ અભિનંદન પાઠવ્યા અને તેમની કામગીરીને બિરદાવી છે.
2 દિવસ પહેલા જ સગીરા પર દુષ્કર્મના કેસમાં કોર્ટે આરોપીને ફટકારી 20 વર્ષની સજા
વડોદરાના ડભોઈમાં વર્ષ 2020માં નોંધાયેલા પોકસો અને બળાત્કારના ગુન્હામાં આરોપીને કોર્ટે 20 વર્ષની સજા ફટકારી હતી. એડિશનલ અને ડિસ્ટ્રક્ટ એન્ડ સેશન્સ કોર્ટના જજ એચ.જી.વાઘેલાએ આ મહત્વપૂર્ણ ચૂકાદો આપ્યો હતો. સગીર વયની યુવતીને લગ્નની લાલચ આપીને ભગાડી લઈ જઈને બળાત્કાર ગુજારનારાને 20 વર્ષની સજા ફટકારી હતી.


