- ઉંઝા અને મહેસાણા બાદ વિસનગર શહેરમાં બની આ પ્રકારની ઘટના
- ગાડી પાર્ક કરવાના સામાન્ય મુદ્દે યુવાનને માર મારવામાં આવ્યો
- પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી
મહેસાણા જિલ્લામાં લુખ્ખા ગીરીની એક પછી એક ઘટનાઓ સામે આવી રહી છે અને પોલીસ અને કાયદાઓનો જાણે આ લોકોને ડર જ ના હોય તે પ્રકારનું વર્તન શહેરમાં જોવા મળી રહ્યું છે અને મહેસાણા જિલ્લામાં અસામાજિક તત્વો બેફામ બન્યા છે.
લુખ્ખાગીરીની વધુ એક ઘટના આવી સામે
ઉંઝા અને મહેસાણા બાદ વિસનગર શહેરનો વધુ એક CCTV વીડિયો સામે આવ્યો છે, જેમાં લુખ્ખાગીરીની વધુ એક ઘટના જોઈ શકાય છે. વિસનગરમાં શહેરમા ગાડી પાર્ક કરવાના સામાન્ય મુદ્દે ભાવુ ઠાકોર નામના યુવાનને માર મારવામાં આવ્યો છે અને માર મારતા વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયા છે. રોયલ જીમના માલીક જતીન દ્વારા માર મરાયો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. ત્યારે આ સમગ્ર મુદ્દે પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.
અગાઉ મહેસાણામાં બાઈક ચાલકને ધોકા વડે મરાયો હતો માર
થોડા દિવસ પહેલા જ શહેરમાં અસામાજિક તત્વોની દાદાગીરી સામે આવી હતી અને બાઈક લઈને જતા યુવકને ધોકા વડે માર મારવામાં આવ્યો હતો. માર મારતા વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયા હતા અને આ યુવકને મારમારીને અધમુવો કરી નાખ્યો હતો અને યુવકને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.


