- ફાઇનલનું 20.22 ટકા જ્યારે ઈન્ટરમીડિયેટનું 16.22 ટકા પરિણામ
- અક્ષા મેમોન ફાઇનલમાં દેશમાં સાતમા જ્યારે ઈન્ટરમીડિયેટમાં હેત પંચાલ અમદાવાદમાં પ્રથમ ક્રમે
- ગત નવેમ્બર-2023ની સરખામણીએ 6.87 ટકા ઊંચું પરિણામ આવ્યું
ધ ઈન્સ્ટિટયૂટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટસ ઓફ ઈન્ડિયા (ICAI) દ્વારા આજે ગુરુવારે સીએ ફાઈનલ અને ઈન્ટરમીડિયેટનું પરિણામ જાહેર કરવામાં આવ્યું હતું. ICAI દ્વારા જાહેર કરાયેલ ફાઇનલના પરિણામમાં અમદાવાદના કુલ ત્રણ વિદ્યાર્થી દેશના ટોપ-50માં આવ્યાં છે, જેમાથી અક્ષા મેમોન નામની વિદ્યાર્થિની દેશમાં સાતમા ક્રમે ઝળકી છે.
આ સિવાય ઈન્ટરમીડિયેટમાં હેત પંચાલ નામનો વિદ્યાર્થી અમદાવાદમાં પ્રથમ અને દેશમાં 39માં ક્રમે આવ્યો છે. આ વખતે ફાઈનલનું બોથ ગ્રુપનું પરિણામ 20.22 ટકા જ્યારે ઈન્ટરમીડિયેટનું પરિણામ 16.22 ટકા આવ્યું છે, જેની સામે દેશનું ફાઇનલનું પરિણામ 19.88 ટકા અને ઈન્ટરમીડિયેટનું 18.42 ટકા આવ્યું છે.
સીએ ફાઇનલની પરીક્ષામાં અમદાવાદ સેન્ટરમાથી આ વખતે બોથ ગ્રુપમાં કુલ 900 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી જેમાંથી 182 વિદ્યાર્થી પાસ થતાં 20.22 ટકા પરિણામ આવ્યું છે, જે ગત નવેમ્બર-2023ની સરખામણીએ 6.87 ટકા ઊંચુ પરિણામ આવ્યું છે. નવેમ્બર-2023માં અમદાવાદ સેન્ટરમાંથી 869 વિદ્યાર્થીએ પરીક્ષા આપી હતી જેમાથી 116 પાસ થતાં 13.35 ટકા પરિણામ આવ્યું હતુ. છેલ્લી ત્રણ પરીક્ષાની સરખામણીએ આ વખતે અમદાવાદનું પરિણામ ઊંચુ આવ્યું છે. ઈન્ટરમીડિયેટમાં બોથ ગ્રુપમાં કુલ 1,800 વિદ્યાર્થીએ પરીક્ષા આપી હતી જેમાથી 292 પાસ થતાં 16.22 ટકા પરિણામ આવ્યું છે.
સારો રેન્ક લાવવા ડિસિપ્લિન ખૂબ જરૂરી- અક્ષા મેમોન, રેન્ક-7
દેશમા સાતમાં ક્રમે આવેલ અક્ષા મેમોને જણાવ્યુ હતુ કે, સારો રેન્ક લાવવામાં ડિસિપ્લિન ખુબ જ જરૂરી છે. બીજા પેપરથી મારી તબિયત બગડી હતી, પરંતુ મારા માતા-પિતા તરફથી મળેલી પ્રેરણાના લીધે હુ રેન્ક મેળવી શકી. રોજનું સરેરાશ 8થી 10 કલાક અને છેલ્લા બે-ત્રણ મહિનામાં 12થી 13 કલાક સ્ટડી પાછળ સમય આપતી હતી’
હાર્ડવર્ક તો બધા કરે પરંતુ સ્માર્ટ વર્કથી સારો રેન્ક મળે -શુભમ મખેચા, રેન્ક-36
CA બનવા માગતા વિદ્યાર્થીઓને મેસેજ આપતા ગુજરાતી મીડિયામાં ભણેલા શુભમ માખેચાએ જણાવ્યું હતુ કે, હાર્ડવર્ક તો બધા કરતાં હોય છે પરંતુ સ્માર્ટ વર્ક ખૂબ જરૂરી છે. હું પહેલા સીએસમાં ગયો હતો જ્યાં એક લેવેલ કંપ્લેટ કર્યા બાદ મારા મિત્રોથી પ્રેરાઈ સીએમં પ્રવેશ મેળવ્યો હતો. પરીક્ષાના બે-ત્રણ મહિલા પહેલા મોબાઈલ સાવ ઓફ કરી દીધો હતો’
પરિવારની આર્થિક પરિસ્થિતિએ જ સફળતા સુધી પહોંચાડયો – ધ્રુવાંગ શાહ, રેન્ક-39
પિતા અગરબત્તીનો વેપાર કરી પરિવારનું ગુજરાન ચલાવતાં હોવાથી ઓઢવની સાવા નાની અને ગુજરાતી માધ્યમની સ્કૂલમાં ધો.12 સુધી અભ્યાસ કરી સીએ બનેલ ધ્રુવાંગ શાહે જણાવ્યું હતુ કે, પરિવારની આર્થિક સ્થિતિએ જ મને સફળતા સુધી પહોચાડયો.
CMA ફાઉન્ડેશનનું અમદાવાદનું 49.04 ટકા પરિણામ
સીએમઈ ફાઉન્ડેશનની ગત જૂન-2024માં લેવાયેલી પરીક્ષાનું અમદાવાદનું પરિણામ 49.04 ટકા આવ્યું છે. અમદાવાદ ચેપ્ટરમાથી કુલ 104 વિદ્યાર્થીએ પરીક્ષા આપી હતી જેમાથી 51 પાસ થયા છે. જેની સરખામણીએ પશ્ચિમ રિજિયનનું 50.33 ટકા પરિણામ આવ્યું છે.


