- વોઈસ ક્લોનિંગ ટેકનિકમાં અસલી-નકલી વચ્ચે બહુ પાતળી ભેદરેખા હોય છે
- પોલીસ અધિકારી કે ઓળખીતાની જેમ આબેહૂબ વાતો કરી બ્લેકમેલ કરે છે
- શેરબજાર, ક્રિપ્ટોકરન્સી, બેંક ફ્રોડ બાદ હવે ઈન્ડિયા પોસ્ટના નામે છેતરપિંડી
રાજયમાં દિવસેને દિવસે સાયબર ઠગના શિકાર અનેક લોકો બની રહ્યાં છે તેમાં નવાઈની વાત તો એ છે કે અભણ, મહિલાઓ, ખેડૂતો, અર્ધ શિક્ષિત લોકોની સાથે સાથે ઉચ્ચ અભ્યાસ કે ડીગ્રીધારકો પણ આસાનીથી તેમની જાળમાં સપડાઈ રહ્યાં છે. સમયની સાથે સાથે સાયબર ગઠિયાઓ પણ હાઈટેકનોલોજીનો ઉપયોગ કરી રહ્યાં છે.
નીત નવી મોડસ ઓપરેન્ડી અપનાવીને ગ્રાહકોના ખિસ્સા આસાનીથી ખાલી કરી રહ્યાં છે. જેમાં આજકાલ સૌથી પ્રચલિત ઠગાઈની સિસ્ટમ વોઈસ કલોનિંગ છે. વોઈસ કલોનિગની જાળમાં ભલભલા ફસાઈને છેતરાઈ રહ્યાં છે કેમ કે આ સિસ્ટમમાં અસલી-નકલી, સાચા-ખોટાની ભેદરેખા એકદમ પાતળી હોય છે જેથી નાગરિકો માટે તાત્કાલિક આ સિસ્ટમ પર ભરોસા રાખવા સિવાય કોઈ છુટકો નથી. વોઈસ કલોનિગ સિસ્ટમમાં સાયબર ઠગ એઆઈનો ઉપયોગ કરે છે જેમાં એઆઈ વોઈસ કલોનથી સરકારી અધિકારીઓ, સરકારી યોજનાની માહિતી આપતા કો ઓર્ડિનેટર, બેંક ઓટીપી, ક્રેડિટ- ડેબિટ કાર્ડ, ઈલેકિટ્રસિટી વિભાગ, કિસાન સહાય યોજના અધિકારી, વિધવા સહાય, સ્કોલરશીપ સહાય, સેલિબ્રિટીઓ, બેંક કે પોલીસ અધિકારીઓ વગેરેના અવાજ કાઢીને સામેવાળાને ધમકાવીને કે આદેશ આપીને ટાર્ગેટ કરે છે. હાલમાં જે તે વ્યકિતના પરિચિતના અવાજ કાઢીને અનેક લોકોને છેતર્યા હોવાનુ ખુલ્યુ છે.
પોસ્ટઓફિસમાં પાર્સલનો મેસેજ તમારો ડેટા ચોરી લેશે
શેરબજાર, ક્રિપ્ટોકરન્સી, બેંક ફ્રોડ બાદ હવે ઈન્ડિયા પોસ્ટના નામે છેતરપિંડી થઈ રહી છે અને ઘણાં લોકો તેનો શિકાર બન્યા છે. લોકોને ઈન્ડિયા પોસ્ટના નામે એક મેસેજ મળી રહ્યો છે. જેમાં દાવો કરાઈ રહ્યો છે કે તમારા નામે પાર્સલ આવ્યું છે અને તેના સાથે જ વેબ લિંક પણ શેર કરાઈ રહી છે, જે એક પ્રકારનું માલવેર છે અને તેના દ્વારા તમારી માહિતીની ચોરી થઈ રહી છે. ઈન્ડિયા પોસ્ટના નામે મેસેજ મોકલીને એક પાર્સલ આવી ગયું છે અને ડિલિવરી માટે એડ્રેસ કર્ન્ફ્મ કરવું પડશે. મેસેજની સાથે એક લિંક પણ મોકલીને 48 કલાકની અંદર લોકો પાસેથી સરનામા અંગેની માહિતી મગાઈ રહી છે. આ લિંક દ્વારા લોકોના ફેનમાં માલવેર નાખીને તેમની અંગત માહિતી એકત્ર કરાઈ રહી છે.


