- નેપાળની ત્રિશૂલી નદીમાં 65 પ્રવાસીઓ ભરેલી બે બસ તણાઈ ગઈ
- બંને બસમાં સાત ભારતીયો સહિત 65 લોકો પ્રવાસ કરી રહ્યા હતા
- નેપાળ બસ દુર્ઘટના અંગે વડાપ્રધાન પુષ્પ કમલ દહલે દુ:ખ વ્યક્ત કર્યું
પાડોશી દેશ નેપાળમાં એક મોટી દુર્ઘટના સર્જાઈ છે. જેમાં ભૂસ્ખલનને લીધે બે બસ ત્રિશૂલી નદીમાં પાણીના પ્રચંડ વહેણમાં તણાઈ ગઈ હતી. આ દુર્ઘટનામાં સાત ભારતીયો સહિત 50થી વધુ લોકોનો કોઈ પતો નથી. મળતી માહિતી અનુસાર બંને બસમાં કુલ 65 પ્રવાસીઓ સવાર હતા. આ ભીષણ અકસ્માતમાં સવારે સાડા ત્રણ વાગ્યે સર્જાયો હતો. ચિતવન જિલ્લાના સિમલતાલ વિસ્તારમાં હાઈવે પર કરુણાંતિકા સર્જાઈ હતી.
નેપાળના ચિતવન જિલ્લાના એક સિનિયર અધિકારીએ આ દુર્ઘટના અંગેની જાણકારી આપી હતી. વીરગંજથી રાજધાની કાઠમાંડુ જઈ રહેલી બસ અને રાજધાથી ગૌર જવા નીકળેલી ખાનગી બસ સવારે સાડા ત્રણ વાગ્યે ભૂસ્ખલનમાં હોમાઈ ગઈ હતી. એક બસમાં 24 અને બીજી બસમાં કુલ 41 યાત્રિકો સવાર હતા. વીરગંજથી કાઠમાંડુ જતી એક ખાનગી બસમાં સવાર 21 પ્રવાસીઓની ભાળ મળી છે અને આમાં સાત ભારતીયો સામેલ હતા. બસમાં સવાર ત્રણ પ્રવાસીઓ બસથી કૂદી પડયા હતા. જેથી તેઓ કાટમાળની સાથે પાણીના વહેણમાં તણાતા બચી ગયા હતા. પોલીસે જણાવ્યું કે બે બસના તમામ પ્રવાસીઓની શોધખોળ પૂરજોશમાં છે.
નેપાળના વડાપ્રધાને દુ:ખ વ્યકત કર્યું
નેપાળમાં અકસ્માત અને દુર્ઘટના પર વડાપ્રધાન પુષ્પ કમલ દહલે ટવિટ કરીને શોક દર્શાવ્યો હતો. આગળ તેમને લખ્યું કે ભૂસ્ખલનને લીધે આશરે પાંચ ડઝન યાત્રીઓનો કોઈ અતોપતો ન હોવાનો તેમજ પૂર-ભૂસ્ખલનને લીધે સંપત્તિઓને નુકસાનની ખબરે મને ઊંડું દુ:ખ થયું છે. નેપાળના જુદાજુદા હિસ્સામાં ગૃહ વહીવટી તંત્ર સહિત સરકારની તમામ એજન્સીઓ પ્રવાસીઓની શોધ કરી તેમને બચાવવાનો નિર્દેશ કર્યો હતો.
બસ પર પથ્થર પડવાથી એકનું મોત
નેપાળમાં એક બીજી ઘટનામાં આ અકસ્માત સર્જાયો તેનાથી 17 કિલોમીટર દૂર અન્ય બીજી પ્રવાસી બસ પર પથ્થર પડવાથી એક વ્યકિતનું મોત થયું હતું. આ બસ નેપાળની રાજધાની કાઠમંડુ તરફ જઈ રહી હતી. ભૂસ્ખલનને લીધે પથ્થર પડવાથી બસના ડ્રાયવરને ગંભીર ઈજા થઈ હતી. જો કે બાદમાં ડ્રાયવરનું સારવાર દરમિયાન મોત થયું હતું.
ભૂસ્ખલનથી પરિવહન ઠપ
સરકારી અધિકારીના જણાવ્યા પ્રમાણે નેપાળ પોલીસ હથિયારધારી પોલીસના જવાનોએ ઘટનાસ્થળે બચાવ અભિયાન હાથ ધર્યું હતું. નેપાળના જુદાજુદા વિસ્તારોમાં થયેલા ભૂસ્ખલનથી આવેલા કાટમાળએ નારાયણ ઘાટ-મુગલિંગ માર્ક પર પરિવહન ઠપ કરી દીધો હતો. પરિવહન બહાલ થવામાં હજી ઘણો સમય લાગશે તેવું તંત્રએ જણાવ્યું હતું.


