“12 વર્ષ ગરીબ કલ્યાણના : સેવા, સુશાસન, સંસ્કૃતિ અને વિકાસનો સુવર્ણ યુગ” : ધારાસભ્ય ઉદય કાનગડ
રાષ્ટ્ર નિર્માણના આ 12 વર્ષ ભારતના વિકાસ ઇતિહાસમાં સુવર્ણ અક્ષરે લખાશે
અગ્ર ગુજરાત, રાજકોટ
દેશના રાજકીય ઇતિહાસમાં સૌથી લાંબો સતત કાર્યકાળ ધરાવતા બિન-કોંગ્રેસી વડાપ્રધાન તરીકે નરેન્દ્રભાઈ મોદીએ એક ઐતિહાસિક કીર્તિમાન સ્થાપ્યું છે. ગરીબ કલ્યાણ, સુશાસન, સાંસ્કૃતિક પુનર્જાગરણ અને આત્મનિર્ભર ભારત અને વિકસિત ભારત ના સંકલ્પ સાથે છેલ્લા 12 વર્ષમાં દેશને નવી દિશા અને નવી ગતિ આપનાર વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં કેન્દ્ર સરકારના 12 વર્ષ પૂર્ણ થવા નિમિત્તે ધારાસભ્ય ઉદય કાનગડે તેમને શુભેચ્છાઓ પાઠવી હતી.
ધારાસભ્ય ઉદય કાનગડે જણાવ્યું હતું કે, છેલ્લા 12 વર્ષોમાં નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વવાળી કેન્દ્રની ભાજપ સરકાર દ્વારા અમલમાં મૂકાયેલી જનકલ્યાણકારી યોજનાઓએ દેશના વિકાસનો નવો અધ્યાય રચ્યો છે. “સબકા સાથ, સબકા વિકાસ, સબકા વિશ્વાસ અને સબકા પ્રયાસ”ના મંત્ર સાથે વડાપ્રધાનએ અંત્યોદયના વિચારને વાસ્તવિકતા બનાવી સમાજના અંતિમ છેવાડે રહેલા વ્યક્તિ સુધી વિકાસના લાભો પહોંચાડ્યા છે.
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં છેલ્લા 12 વર્ષ દરમિયાન ભારતે વિકાસના લગભગ દરેક ક્ષેત્રમાં અભૂતપૂર્વ પ્રગતિ હાંસલ કરી છે. વર્ષ 2014માં જે ભારત અનેક મૂળભૂત પડકારોનો સામનો કરી રહ્યું હતું, તે આજે વિશ્વની સૌથી ઝડપથી વિકસતી અર્થવ્યવસ્થાઓમાં સ્થાન ધરાવે છે. ગરીબ કલ્યાણ, આધુનિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર, ડિજિટલ ક્રાંતિ, ઊર્જા સુરક્ષા, ઉત્પાદન ક્ષમતા અને આત્મનિર્ભરતાના ક્ષેત્રે થયેલા પરિવર્તનો ભારતના વિકાસના નવા અધ્યાયની સાક્ષી આપે છે.
તેમણે ઉમેર્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં ભારતે વિશ્વને માત્ર આર્થિક પ્રગતિનો માર્ગ જ નહીં, પરંતુ શાંતિ, સહઅસ્તિત્વ, માનવ કલ્યાણ અને ટકાઉ વિકાસનો સંદેશ પણ આપ્યો છે. પરિણામે આજે ભારત વિશ્વની નજરે એક આત્મવિશ્વાસી, સશક્ત, નિર્ણાયક અને નેતૃત્વક્ષમ રાષ્ટ્ર તરીકે સ્થાપિત થયું છે. ‘અમૃતકાલથી વિકસિત ભારત’ની યાત્રામાં વિશ્વગુરુ ભારતનું સ્વપ્ન હવે વધુ સ્પષ્ટ અને વધુ નજીક દેખાઈ રહ્યું છે.


